નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના વિજ્ઞાન ભવન ખાતે દેશભરની હાઈકોર્ટ(High Court)ના ચીફ જસ્ટિસ (Chief Justice) અને મુખ્યમંત્રીઓ(Chief Minister)ની એક કોન્ફરન્સ(Conference) યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી મોદી(PM Modi)એ જણાવ્યું હતું કે, આપણે કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.ચુકાદા અંગ્રેજી ભાષામાં હોવાને લઈ સામાન્ય લોકો સમજી શકતા નથી. જેથી કોર્ટને સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.
વડાપ્રધાને મુખ્ય પ્રધાનોને ન્યાય આપવાનું સરળ બનાવવા જૂના કાયદાઓ રદ કરવાની પણ અપીલ કરી હતી. “2015 માં, અમે લગભગ 1,800 કાયદાઓ ઓળખ્યા જેનું કોઈ મહત્વ નથી. તેમાંથી કેન્દ્રના આવા 1,450 કાયદા રદ કરવામાં આવ્યા હતા. પરંતુ, રાજ્યોએ આવા માત્ર 75 કાયદા જ નાબૂદ કર્યા છે.
જેલમાં બંધ ટ્રાયલ કેદીઓ માટે પી.એમ મોદીની વિશેષ અપીલ
પીએમ મોદીએ કહ્યું કે આજે 3.50 લાખ એવા કેદીઓ છે જેઓ ટ્રાયલ હેઠળ છે અને જેલમાં છે. આમાંના મોટાભાગના લોકો ગરીબ અથવા સામાન્ય પરિવારમાંથી છે. દરેક જિલ્લામાં, જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિ છે, જેથી આ કેસોની સમીક્ષા કરી શકાય. મોદીએ કહ્યું કે જ્યાં શક્ય હોય ત્યાં તેમને જામીન પર છોડવામાં આવે. હું તમામ મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને અપીલ કરવા માંગુ છું કે માનવીય સંવેદના અને કાયદાના આધારે જો શક્ય હોય તો આ બાબતોને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. એ જ રીતે, અદાલતોમાં અને ખાસ કરીને સ્થાનિક સ્તરે પડતર કેસોના નિરાકરણ માટે મધ્યસ્થી પણ એક મહત્વપૂર્ણ સાધન છે, એમ મોદીએ જણાવ્યું હતું.
કેસનો ઓછા સમયમાં ઉકેલ લાવવાથી કોર્ટનો બોજ ઓછો થશે
PM એ કહ્યું કે આપણા સમાજમાં મધ્યસ્થી દ્વારા વિવાદો ઉકેલવાની હજારો વર્ષ જૂની પરંપરા રહી છે. પરસ્પર સંમતિ અને પરસ્પર સહભાગિતાની ન્યાયની પોતાની અલગ માનવીય ખ્યાલ છે. જો આપણે જોઈએ તો આપણા સમાજનો એ સ્વભાવ હજુ પણ ક્યાંક ને ક્યાંક છે. અમે અમારી તે પરંપરાઓ ગુમાવી નથી. આપણે આ લોકશાહી પ્રણાલીઓને મજબૂત કરવાની જરૂર છે. કેસો પણ ઓછા સમયમાં ઉકેલાય છે. કોર્ટનો બોજ પણ ઓછો થાય છે અને સામાજિક તાણ પણ સુરક્ષિત થાય છે. તેમણે કહ્યું કે આપણે માનવીય ભાવનાઓને કેન્દ્રમાં રાખવાની છે.
ટેકનિકલ અને મેડિકલ એજ્યુકેશન માતૃભાષામાં કેમ ન હોવું જોઈએ: પી.એમ મોદી
મોદીએ કહ્યું કે કોઈપણ દેશમાં સ્વરાજનો આધાર ન્યાય છે. ન્યાય જનતા સાથે જોડાયેલો હોવો જોઈએ. જ્યાર સુધી ન્યાયનાં આધારને સામાન્ય માણસ નથી સમજતો ત્યાં સુધી તેના માટે ન્યાય અને રાજકીય આદેશમાં કોઈ મોટો ફર્ક નથી હોતો. દેશનાં મોટા ભાગનાં લોકોને ન્યાયિક પ્રક્રિયા અને તેના નિર્ણયો સુધી સમજાવવો મુશકેલ હોય છે. આપણે આ વ્યવસ્થા સામાન્ય લોકો માટે સરળ બનાવવી જરૂરી છે. આપણે સ્થાનિક ભાષાને મહત્વ આપવાની જરૂર છે. જેથી સામાન્ય નાગરીકોમાં કોર્ટ પ્રત્યે ભરોષો વધશે. હવે અમે વિચારીએ છીએ કે ટેકનિકલ અને મેડિકલ એજ્યુકેશન માતૃભાષામાં કેમ ન હોવું જોઈએ. ઘણા રાજ્યોએ નિર્ણય લીધો છે. ગામડાઓ અને ગરીબો લોકોના બાળકો માટે તમામ માર્ગો ખુલશે. આ સામાજિક ન્યાય છે. સામાજિક ન્યાય માટે ભાષા પણ કારણ બની શકે છે.
ન્યાય વ્યવસ્થા કેવી હોવી જોઈએ?
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 2047માં જ્યારે દેશ પોતાની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે આપણા દેશમાં કેવી ન્યાય વ્યવસ્થા જોવા માંગો છો? આપણે કયા પ્રકારે આપણી ન્યાયિક વ્યવસ્થાને એટલી સમર્થ બનાવીએ કે તે 2047ના ભારતની આકાંક્ષાઓને પૂરી કરી શકે, તેના પર ખરી ઉતરી શકે, આ પ્રશ્ન આજે આપણી પ્રાથમિકતા હોવો જોઈએ.