અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi) નાં માતા (Mother) હીરાબા (Hiraba) ની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં એક્સપર્ટ ડોકટરો અને સ્ટાફને સાથે રાખીને તેઓની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. આજે બીજા દિવસે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હીરાબાની તબિયતની જાણકારી લેવા માટે હોસ્પિટલ આવ્યા હતા. હીરાબાની મુલાકાત લીધા બાદ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હીરાબાની તબિયત હવે સારી છે. તેઓનાં સ્વાસ્થ્ય સુધારો આવી રહ્યો છે. લગભગ એકાદ દિવસમાં રજા આપવામાં આવશે.
હીરાબાને આવ્યો હતો સિવિયર એટેક
હીરાબાને મંગળવારનાં રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓની તબિયત કયા કારણોસર ખરાબ થઇ હતી તે માહિતી બહાર આવી ન હતી. જો કે હવે જાણવા મળી રહ્યું છે કે, હીરાબાને સિવિયર એટેક આવ્યો હતો. જેથી તેઓની સારવાર કરવામાં આવતા હાલમાં તબિયત સુધારા પર છે. આ બાબતની માહિતી બાપુનગરના MLA દિનેશ કુશવાહે આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હીરાબાની તબિયત ખુબ સારી છે. તેઓને સિવિયર હાર્ટ-એટેક જેવો પેરાલિસિસનો અટેક આવ્યો હતો. જો કે તેઓને ઈન્જેકશન આપવામાં આવ્યું છે. જેથી તબિયતમાં ખુબ જ સુધારો આવ્યો છે.
હીરાબાના તમામ રીપોર્ટ નોર્મલ
યુ.એન મહેતા હોસ્પિટલનાં ચોથા માળ પર હીરાબાની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફ તેઓની સારવાર કરી રહ્યા છે. હાલ હીરાબાની તબિયત સ્થિર છે. તેઓના તમામ રીપોર્ટ નોર્મલ આવ્યા છે. ગતરોજ હીરાબાનું એક હેલ્થ બુલેટીન પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેઓની તબિયતમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. જેને જોતા એકાદ દિવસમાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપે તેવું લાગી રહ્યું છે. હાલમાં હોસ્પિટલમાં પંકજ મોદી, સોમાભાઈ મોદી અને પ્રહલાદ મોદી સહિતના પરિવારજનો બહાર બેઠા છે. હીરાબાએ આજે તેમણે લિક્વિડ ફૂડ લીધું હતું. ગઇકાલની સરખામણીએ તબિયત વધુ સુધારા પર છે. આજે એમ.આર.આઈ. અને સીટી સ્કેન બાદ ડૉક્ટર્સ દ્વારા તેમને રજા અપાય એવી શક્યતા છે.
પી.એમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા
ગતરોજ વડાપ્રધાન મોદી માતા હીરાબાને મળવા યુ.એન મહેતા હોસ્પિટલમાં પહોચી ગયા હતા. જ્યાં તેઓએ ડોકટરો સાથે માતાના સ્વાસ્થ્ય અંગે વાતચીત કરી હતી. હોસ્પિટલમાં પહોંચેલા પી.એમ મોદી માતાન સ્વાસ્થ્યને લઇ ચિંતામાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જોકે, હીરાબાની તબિયત સુધારા પર હોવાથી પીએમ નરેન્દ્ર મોદી હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી રોકાયા બાદ દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે હીરાબાને મળવા સોમાભાઈ મોદી યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં હીરાબાના ખબર અંતર પૂછી થોડો સમય રોકાયા બાદ તેઓ રવાના થયા હતા
હીરાબા સ્વાસ્થ્ય માટે વિશેષ પૂજા કરાઈ
વડનગરમાં હીરાબાનાં સારા સ્વાસ્થ્ય માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. હાટકેશ્વર મહાદેવ મંદિરમાં હીરાબા દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજય જાપ, રુદ્રા અભિષેક તેમજ રુદ્રીય પાઠ શરુ કરવામાં આવ્યો હતો. ભૂદેવો દ્વારા આ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. સવારે જ્યારથી હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાની માહિતી મળતા જ સવારથી જ મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક શરુ કરવામાં આવ્યો હતો.