આજે શનિવારે તા.15 નવેમ્બરની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. સુરતના એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ હેલિકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના નવનિર્મિત સ્ટેશનની મુલાકાત લીધી હતી. કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ અંત્રોલીધી ડેડીયાપાડા જવા રવાના થયા હતા.
ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. રસ્તા કિનારે હજારો આદિવાસીઓ વડાપ્રધાનના સ્વાગત માટે જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
રોડ શો માટે પીએમ મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા દેવમોગરા મંદિરમાં પહોંચ્યા હતા. માતાની પુજા કરી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓ દેવમોગરા પાંડોરી માતાને કુળદેવી તરીકે પૂજે છે. ત્યાર બાદ વડાપ્રધાન બિરસા મુંડાની જન્મજ્યંતિની ઉજવણીમાં જોડાયા. અહીં તેઓ 9700 કરોડથી વધુની કિંમતના વિવિધ માળખાત સુવિધા અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાઘટન અને શિલાન્યાસ કરશે.
સુરત એરપોર્ટ પર 10–15 હજાર બિહારવાસીઓ કરશે સ્વાગત
બિહાર વિધાનસભાની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. જીતની ખુશીના માહોલ વચ્ચે પ્રધાનમંત્રીએ સુરત શહેરના બિહારના વતનીઓને વ્યક્તિગત અભિવાદન આપવા ખાસ નિર્ણય લીધો છે. બિહારની સફળતા પછી PM મોદી દ્વારા આ પ્રથમ જાહેર ‘આભાર સંબોધન’ માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, સી.આર. પાટીલ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રીને રજૂઆત કરી હતી કે સુરતમાં રહેલા મોટી સંખ્યાના બિહારવાસીઓ બિહાર વિજયને લઈને અત્યંત ઉત્સાહિત છે અને PMને અભિવાદન કરવા માંગે છે. રજૂઆત સાંભળીને પ્રધાનમંત્રીએ તરત જ સહમતિ આપી દીધી હતી.
આ નિર્ણય બાદ હવે પ્રધાનમંત્રી આજે સાંજે સુરત એરપોર્ટ બહાર ખાસ આયોજન હેઠળ બિહારના લોકો વચ્ચે આવશે. અંદાજે 10 થી 15 હજાર બિહારના વતનીઓ પ્રધાનમંત્રીના સ્વાગતમાં જોડાશે.
આ મુલાકાતને રાજકીય રૂપે ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. બિહાર વિજય પછી PM દ્વારા સુરતના બિહારવાસીઓને કરાયેલ સીધો સંદેશ માત્ર ચૂંટણીની સફળતાનો આભાર નથી પરંતુ 2026 અને ત્યારપછીની રાજકીય ગણિતને ધ્યાનમાં રાખીને ‘ડાયાસ્પોરા કનેક્શન’ મજબૂત કરવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી દિલ્હી જવાના પહેલા સુરતથી સીધો બિહારના મતદારોને સ્પર્શી લખેલો સંદેશ આપશે — “તમે જીત્યા, બિહાર જીત્યું, દેશ જીત્યો.”