ગાંધીનગર: લોકસભાની (LokSabha) ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી તારીખ 22મી ફેબ્રુઆરીથી ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દ્વારકા (Dwarka), જામનગર (Jamnagar) તથા રાજકોટની (Rajkot) મુલાકાત લેશે. પીએમના આગમનને પગલે આ તમામ ઠેકાણે ચાલી રહેલી તૈયારીને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન મોદી 22મી ફેબ્રુઆરીએ મહેસાણાના વિસનગર પાસે આવેલા તરભના વાળીનાથ ધામમાં મહાશિવલિંગ, સુર્વણ શિખર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. ત્યાર બાદ તારીખ 22મીએ જ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પશુપાલકો, ખેડૂતોના સંમેલનને સંબોધશે.
22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમા જલાલપોર તાલુકાના વાંસી ગામે 1,141 એકર જમીનમાં સાકાર થનારા મેગા-ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્કનું ખાતમુહૂર્ત કરાશે. આ સાથે જ પીએમ મોદી દ્વારા અંદાજે 15,000 કરોડના પ્રકલ્પોનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.
આ સાથે જ આગામી 22 મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાના વાસી બોરસી ગામ પાસે આવેલા ટેક્સટાઇલ પાર્કના ખાતમૂર્હુત પ્રસંગે હાજરી આપશે. તે દરમિયાન કોઈપણ વ્યક્તિએ પીએમ નો વિરોધ કરવા માટે ડ્રોન કે ફુગ્ગા વાવટા જેવી વસ્તુનો ઉપયોગ કરતા અધિક કલેકટરના જાહેરનામાનો ભંગ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ વાસી બોરસિ કાર્યક્રમ સ્થળ પાસે તુકકલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટીક તેમજ અમુક કલરના કપડા હાથમાં લઇ ફરકાવ્યા તો ધરપકડ કરવામાં આવશે. આ સાથે જ વડાપ્રધાનના આગમન દરમિયાન કડક સિક્યોરિટીનું ધ્યામ રાખવામાં આવશે.
તારીખ 23 ફેબ્રુઆરીએ પીએમ મોદી સંત ગુરુ રવિદાસ જયંતિના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમજ તારીખ 24મી ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકામાં જ રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ સવારે ભગવાન દ્વારકાધિશના દર્શન કરશે. તારીખ 25મી ફેબ્રુઆરીએ સવારે દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ બપોરે રાજકોટ પહોંચશે અહીં રાજકોટ AIIMS અને અટલ સરોવરનું ઉદ્ઘાટન કરશે.
આ ચાર દિવસના રોકાણ દરમ્યાન પીએમ મોદી સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક યોજીને લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રદેશ સંગઠ્ઠનની તૈયારીઓ અંગે ચર્ચા કરશે.