Gujarat

પીએમ મોદી પાલનપુરની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભા સાથે સીધો સંવાદ કરશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ર ઓકટોબરે રાજ્યભરમાં ખાસ ગ્રામસભાઓનું આયોજન રાજ્યની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીના આગામી ગાંધી જયંતિથી પ્રારંભ થનારા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન કલીન ઇન્ડીયા અને ‘અમૃત ૨.૦ મિશન’ના અભિયાનના ગુજરાત રાજયમાં આયોજનને આખરી ઓપ આપ્યો હતો.

રાજય સરકારના પ્રવકત્તા રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમા કહ્યું હતું કે મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી ર ઓકટોબરે રાજ્યભરની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર તાલુકાની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. પીએમ મોદી સવારે ૧૧ કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થશે એવું આયોજન રાજ્યના પંચાયત-ગ્રામવિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે.

ત્રિવેદી અને વાઘાણીએ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર-ર૦રર સુધીમાં જલ જીવન મિશનનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. રાજ્યમાં ૯ર.૯ર લાખ ઘરો સામે ૮૧.૪૧ લાખ ઘરો એટલે કે ૮૭.૬ ટકા ઘરોનું નળ જોડાણ પૂર્ણ થઇ ગયું છે, બાકી રહેલા ઘરોમાં આગામી ૧ વર્ષમાં જોડાણ પૂર્ણ કરાશે તેમ તેમણે કહ્યું હતું. ગ્રામસભાઓમાં બેઠકમાં વિલેજ એકશન પ્લાન, હર ઘર જલ, પાણીના ઉપલબ્ધ સ્ત્રોત, પાણી સમિતી પાણીની ગુણવત્તા વગેરે અંગે પણ ચર્ચા-વિમર્શ અને માર્ગદર્શન અપાશે.

Most Popular

To Top