National

લખી રાખો, ટ્રમ્પ સામે PM મોદી ઝૂકશે, રાહુલ ગાંધીએ કેમ આવું કહ્યું, જાણો..

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. પીયૂષ ગોયલના નિવેદનનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, લખી રાખો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ ઝૂકશે.

ખરેખર ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવા માટે લંબાવવામાં આવેલી સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે. બંને દેશો વચ્ચે વેપાર કરાર પર હજુ સુધી કોઈ કરાર થયો નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ અમેરિકા દ્વારા પારસ્પરિક ટેરિફ લાદવા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે અમેરિકા સાથેના વેપાર કરાર પર અવરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નિર્ધારિત સમયમર્યાદા સામે ઝૂકશે.

નોંધનીય છે કે, અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાદવાની વાત કરી હતી. ત્યાર બાદ કરાર 90 દિવસ માટે મુલત્વી રાખવામાં આવ્યો હતો. તે સમયમર્યાદા હવે સમાપ્ત થવા જઈ રહી છે.

રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નિવેદન બાદ આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે ભારત અમેરિકા સાથે ત્યારે જ વેપાર કરાર કરશે જ્યારે તેના હિતોનું રક્ષણ થશે. ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફ લાગુ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. આવા સમયે વિપક્ષી નેતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે.

વેપાર કરારની અંતિમ તારીખ 9 જુલાઈએ સમાપ્ત થશે. એક અહેવાલ મુજબ, ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરાર પર 9 જુલાઈ પહેલા હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ કરાર માટે 9 જુલાઈ છેલ્લી સમયમર્યાદા આપવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, પિયુષ ગોયલ ગમે તેટલી છાતી ઠોકે પણ મારી વાત યાદ રાખજો, મોદી ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે. ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ કહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે એક સમયે ભારતને ટેરિફનો મોટો દુરુપયોગ કરનાર અને ‘ટેરિફ કિંગ’ કહ્યો હતો. 2 એપ્રિલના રોજ, ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ હેઠળ ભારતીય ઉત્પાદનો પર 26% ડ્યુટી લાદવાની જાહેરાત કરી હતી. બાદમાં યુએસ રાષ્ટ્રપતિએ ટેરિફ લાદવાની સમયમર્યાદા 90 દિવસ લંબાવી હતી. જેથી અન્ય દેશોને અમેરિકા સાથે કરાર કરવાની તક મળે.

ભારતે કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ન ઘટાડવાનો નિર્ણય લીધો
એક મુખ્ય મુદ્દો એ છે કે ભારતે મકાઈ અને સોયાબીન જેવી યુએસ કૃષિ આયાત પર ટેરિફ ન ઘટાડવા અંગે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ડેરી ક્ષેત્ર સુધી વ્યાપક પહોંચની માંગ કરી હતી, જે ભારતમાં 80 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે. આ પણ વિવાદનો વિષય રહ્યો છે.

બીજી તરફ, ભારતે કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડાની ચીજવસ્તુઓ અને રસાયણો સહિત યુએસ શ્રમ-સઘન ઉદ્યોગોમાં વધુ પ્રવેશની માંગ કરી છે. ખાસ સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતનું પ્રતિનિધિમંડળ ચર્ચા માટે નિર્ધારિત સમય કરતાં વધુ સમય માટે વોશિંગ્ટનમાં રોકાયું હતું પરંતુ આ મુદ્દો ઉકેલાઈ શક્યો ન હતો.

ભારત ડેરી ક્ષેત્રમાં કોઈ પણ સોદો ન કરવા પર અડગ
દિલ્હીમાં એક બિઝનેસ ઇવેન્ટમાં બોલતા ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રના હિત સાથે કોઈ સમાધાન કરશે નહીં. ગોયલે કહ્યું કે ભારત ક્યારેય સમયમર્યાદા કે સમયના દબાણના આધારે વેપાર સોદા કરતું નથી. આ બંને પક્ષો માટે ફાયદાકારક કરાર હોવો જોઈએ. જેમાં ભારતના હિતોનું રક્ષણ થાય. તો જ તે એક સારો વેપાર કરાર બની શકે છે. જો આવું થાય તો ભારત હંમેશા વિકસિત દેશો સાથે જોડાવા માટે તૈયાર છે.

Most Popular

To Top