વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 7 માર્ચના રોજ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા હતા. બપોરે સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓએ સેલવાસમાં નવનિર્મિત નમો હોસ્પિટલ સહિતના રૂ. 2578 કરોડના વિકાસ કામોનું લોકર્પણ કર્યું હતું. તેઓ સુરત પરત આવ્યા હતા અને એરપોર્ટથી લિંબાયત સુધી રોડ શો કર્યો હતો. ત્યારબાદ સભાને સંબોધિત કરતા સુરતના વિકાસની વાત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે અમે સુરતને એવું શહેર બનાવવા માગીએ છીએ જેમાં ગ્લોબલ બિઝનેસ ફૂટપ્રિન્ટ હોય. તેમણે જણાવ્યું કે જ્યાંના લોકો જાનદાર હોય ત્યાં બધુ શાનદાર જ થવું જોઈએ. ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર તેઓ સુરત આવ્યા છે.

રોડ શો બાદ પીએમ મોદીએ લિંબાયતમાં જનસભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે કેમ છો? કહી સુરતીલાલાઓને સંબોધ્યા હતા. વડાપ્રધાનના આગમન પર સભા સ્થળ પર ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. સુરતના વિકાસની વાત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે અમે સુરતને એવું શહેર બનાવવા માગીએ છીએ જેમાં ગ્લોબલ બિઝનેસ ફૂટપ્રિન્ટ હોય. તેમણે જણાવ્યું કે જ્યાંના લોકો જાનદાર હોય ત્યાં બધુ શાનદાર જ થવું જોઈએ. વડાપ્રધાન મોદીએ રિમોટ દબાવીને યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું ભાગ્યશાળી છું કે મને ત્રીજી વખત દેશની જનતાની સેવા કરવાનો મોકો મળ્યો. હું આપ સૌનો ઋણી છું. તમે બધાએ મારા જીવનમાં ઘણું યોગદાન આપ્યું છે. કામ અને ભાવ સુરતને ખાસ બનાવે છે. સૌના વિકાસને ઉત્સવ ગણીને સુરતના દરેક ઘરમાં આ ભાવના જોવા મળે છે.
તેમણે કહ્યું કે રોટીનું મહત્વ કપડા અને મકાનથી ઉપર છે. જ્યારે કોઈ ગરીબને રોટીની ચિંતા હોય છે ત્યારે તેનું દર્દ શું હોય છે તે મારે પુસ્તકમાં નથી વાંચવું પડતું, હું તેનો અનુભવ કરી શકું છું. જેથી અમારી સરકારે જરુરિયાતમંદના ભોજનની ચિંતા કરી છે. ગરીબના ઘરમાં ચુલો ન સળગે, સંતાનો આસુ પીને સૂઈ જાય તે હવે ભારતને મંજૂર નથી. ગરીબોને ખોરાક અને પોષણ આપવામાં સુરત આગળ છે. આ યોજનાથી સુરત પ્રેરણા રૂપ બનશે. પહેલા તો જેનો જન્મ પણ નહોતો થયો તેવાના રાશનકાર્ડ બની જતા હતા. અમે પાંચ કરોડ બોગસ નામોને સિસ્ટમથી દૂર કર્યા. રાશન સાથે જોડાયેલી સંપુર્ણ વ્યવસ્થાને આધારકાર્ડ સાથે લિંક કરી. અમે રાશનકાર્ડ સાથે જોડાયેલી એક મોટી સમસ્યાનો હલ કર્યો. અન્ય રાજ્યમાંથી આવેલા લોકો અહીં મોટી સંખ્યામાં કામ કરે છે. પહેલા એક જગ્યાનું રાશનકાર્ડ બીજી જગ્યાએ નહોતું ચાલતું. અમે આ સમસ્યાનું સમાધાન કરી વન નેશન વન રાશનકાર્ડ લાગુ કર્યું. હવે રાશનકાર્ડ ગમે ત્યાંનું હોય લાભાર્થીને તેનો ફાયદો દેશના દરેક શહેરમાં મળે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેં સત્તા સંભાળ્યા બાદ દેશમાંથી 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અમારી સરકારે ગરીબો માટે અનેક યોજનાઓ બનાવી છે. અમે મુદ્રા યોજના હેઠળ ગરીબોને વગર ગેરંટીએ 32 લાખ કરોડ આપ્યા, અમને ગાળો આપનારને 32 લાખમાં કેટલા ઝીરો આવે તેની સમજ નથી. ગરીબોના ઘરમાં ચૂલો સળગતો રાખવો જોઈએ. એટલા માટે ગરીબ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. આ એક અનોખી યોજના છે. જેનું ગુજરાત સરકારે વિસ્તરણ કર્યું છે. જેમાં આવક મર્યાદા વધારવામાં આવી જેથી વધુ લોકો લાભ મેળવી શકે. માત્ર ખાવા-પીવાનું જ નહીં, સ્વચ્છતા પણ મહત્વપૂર્ણ છે. આથી સરકાર ધ્યાન આપી રહી છે. અમારો પ્રયાસ છે કે દેશના દરેક શહેર ગંદકીથી આઝાદી માટે કામ કરતા રહે. વડાપ્રધાને સંબોધન દરમિયાન સ્વચ્છતા મુદ્દે સુરતવાસીઓના વખાણ કરતા કહ્યું હતું કે દેશમાં જ્યારે પણ સ્વચ્છતાની સ્પર્ધા થાય છે ત્યારે સુરત પ્રથમ અથવા બીજા ક્રમાંકે હોય છે. તેનો શ્રેય સુરતીલાલાઓને જાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સી.આર.પાટીલ પાસે સમગ્ર દેશના જળ મંત્રાલયની જવાબદારી છે. દરેક ઘરમાં જળ અભિયાન ચાલી રહ્યું છે.
મેટ્રો, બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી કનેક્ટવીટી શાનદાર થશે
સુરત એક ઉદ્યોગ સાહસિક શહેર છે. લોકોને રોજગારી આપે છે. MSME ને ઘણી મદદ આપવામાં આવી રહી છે. સુરતમાં પણ ઘણા બધા MSME છે. બજેટમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. એમએસએમઈને 5 લાખ રૂપિયાની મર્યાદા સાથે ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સુરત ટેક્સટાઇલ ક્ષેત્રમાં અગ્રિમ સ્થાને છે. ભવિષ્યમાં બુલેટ ટ્રેન અને મેટ્રો સાથે કનેક્ટિવિટીથી લોકોને ઘણી રાહત મળશે. આ તમામ પ્રયાસોથી સુરતીઓનું જીવન સરળ બની રહ્યું છે. જીવનની ગુણવત્તા વધી રહી છે.
મહિલા દિને મારૂ સોશીયલ એકાઉન્ટ મહિલાઓને સોંપીશ
આવતીકાલે 8 મી માર્ચે મહિલા દિવસ છે. વડાપ્રધાને કહ્યું કે થોડા દિવસ પહેલા મે દેશની નારીશક્તિને પોતાની ઉપલબ્ધિઓને નમો એપ પર શેર કરવાનો આગ્રહ કર્યો હતો. તમને જાણીને ખુશી થશે કે અનેક બહેનો-દીકરીઓએ પોતાની ઉપલબ્ધિ શેર કરી છે. મહિલા દિવસ પર હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ આવી જ પ્રેરણાદાયી બહેનોને સોંપવા જઈ રહ્યો છું.
સેલવાસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નક્કી કાર્યક્રમ મુજબ સુરત પહોંચ્યા હતા. પર્વત પાટિયા વિસ્તારમાં બનાવાયેલા હેલિપેડ પર મુખ્યમંત્રીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. જ્યાંથી રોડ શો યોજી વડાપ્રધાન નીલગિરિ મેદાન પહોંચ્યા હતા. 3 કિમીના રોડ શો દરમિયાન રસ્તાની બંને તરફ ભારે જનમેદની ઉમટી પડી હતી. જેનું પીએમ મોદીએ અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સાંસદ સી.આર.પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા હતા. જણાવી દઈએ કે વડાપ્રધાન રાત્રિરોકાણ સુરતના સર્કિટ હાઉસમાં જ કરશે. શનિવારે મહિલા દિવસ નિમિતે નવસારીમાં આયોજીત કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.
