National

PM મોદી વારાણસીથી આ તારીખે ભરશે ઉમેદવારી પત્ર, આ પહેલા અયોધ્યા અને કાશીમાં કરશે રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 14 મેના રોજ વારાણસી લોકસભા સીટ (Varasasi Loksabha Seat) પરથી ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 13મી મેના રોજ વારાણસીમાં રોડ શો પણ યોજાશે. જો કે આ પહેલા 5 મેના રોજ પીએમ મોદી અયોધ્યા જશે જ્યાં રામ લલ્લાના દર્શન કર્યા બાદ રોડ શો કરશે. નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે ઉમેદવારી નોંધાવતા પહેલા વારાણસીમાં રોડ શો કર્યો હતો. તમને જણાવી દઈએ કે વારાણસી લોકસભા સીટ પર 1 જૂને મતદાન થશે.

તમને જણાવી દઈએ કે વારાણસી લોકસભા સીટ માટે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. આ દરમિયાન પાર્ટી તરફથી પીએમ મોદીના નોમિનેશન અને રોડ શોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર વારાણસીથી ચૂંટણી લડી હતી. તેમણે આ ચૂંટણીમાં જંગી સરસાઈથી જીત મેળવી હતી.

વારાણસી લોકસભા સીટ માટે નામાંકન ભરવાનું કામ 7 મેથી શરૂ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2014 પછી નરેન્દ્ર મોદીને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ વારાણસીના લોકોનું જોરદાર સમર્થન મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 મેના રોજ બપોરે વારાણસી પહોંચશે. તેઓ કાશીમાં લંકા ચોક પર મદન મોહન માલવીયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રોડ શો કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીનો રોડ શો લગભગ 4 કિલોમીટર લાંબો હશે.

વડાપ્રધાન મોદીની જીતને ઐતિહાસિક બનાવવા માટે પાર્ટી કોઈ કસર છોડશે નહીં. ભાજપના રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ મેના બીજા સપ્તાહથી વારાણસી પહોંચવાનું શરૂ કરશે. અહીં નાની જાહેર સભાઓ કરાશે, પેજ પ્રમુખો સાથે બેઠકો કરાશે અને મતદારોનો સંપર્ક કરાશે. આ ઉપરાંત સમાજના વિવિધ લોકો સાથે બેઠક યોજાશે.

પીએમ મોદી 5 મેના રોજ અયોધ્યા જશે
ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી 5 મેના રોજ અયોધ્યા જશે. રામલલાના દર્શન અને પૂજા કર્યા બાદ તેઓ સાંજે રોડ શો કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી 5 મે રવિવારે સૌથી પહેલા ઈટાવા જશે જ્યાં તેઓ ચૂંટણી રેલી કરશે. તેઓ સાંજે સાત વાગ્યે અયોધ્યા પહોંચશે અને રામલલાના દર્શન કર્યા બાદ રોડ શો કરશે.

વારાણસીમાં તેમની સાથે હશે આ ઉમેદવાર
આ વખતે પીએમ મોદીની સામે ઈન્ડિયા એલાયન્સ તરફથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય હશે. આ સાથે જ બહુજન સમાજ પાર્ટીના સૈયદ નિયાઝ અલી મંજુને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. બસપાએ અગાઉ અતહર જમાલ લારીને ટિકિટ આપી હતી પરંતુ તેમની ટિકિટ રદ કરીને હવે સૈયદ નિયાઝ અલીને તક આપી છે.

Most Popular

To Top