ન્યૂ દિલ્હી: (Delhi) પીએમ મોદીએ શનિવારે કોરોના રસીકરણ (Vaccination) અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શનિવારે દેશમાં રસીકરણની સ્થિતિ અને કોરોનાની સ્થિતિ અંગે બેઠક યોજી હતી. આમાં રસીકરણ ડ્રાઇવની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં પીએમઓના અધિકારીઓ, આરોગ્ય સચિવ અને નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પૌલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડા પ્રધાને ડિસેમ્બર સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. દેશમાં ડેલ્ટા+ વેરિઅન્ટના વધતા જતા ખતરા વચ્ચે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
જણાવી દઈએ કે દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં રસીના 31.48 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 26.02 કરોડને પ્રથમ અને 5.45 કરોડને બંને ડોઝ આપી દેવાયા છે. 21 જૂનથી નવી માર્ગદર્શિકા અનુસાર દેશભરમાં રસીકરણ ઝુંબેશની શરૂઆત થઈ ત્યારથી સતત 50 લાખથી વધુ ડોઝ આપવામાં આવે છે. ભારતમાં કોવિડ રસીકરણનો આંકડો 31 કરોડને પાર પહોંચી ચુક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર રસીકરણનું નવું અભિયાન 21 જૂનથી શરૂ થયું અને શુક્રવારે 60 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે પ્રધાનમંત્રીએ અધિકારીઓને કહ્યુ કે, વેક્સિનની ઉપલબ્ધતા નક્કી કરવામાં આવે. સાથે પીએમ મોદીએ ડિસેમ્બર સુધી દેશવાસીઓનું રસીકરણ કરવાનો લક્ષ્ય આપ્યો છે.
ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના અત્યાર સુધીમાં 51 કેસ નોંધાયા
ભારતમાં કોરોના ચેપના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુની સંખ્યા પણ ધીરે ધીરે ઘટતી હોય તેવું લાગે છે. જોકે, કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટમાં ચિંતા ઉભી થઈ છે. ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના અત્યાર સુધીમાં 51 કેસ નોંધાયા છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક પત્ર લખીને 8 રાજ્યોને તેના ભય વિશે ચેતવણી આપી છે. કોરોનાનું ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બાંગ્લાદેશના પાડોશી ભારત પર વધુ અસર કરી રહ્યું છે. કોરોના વાયરસના ચેપને કારણે વધુ 108 દર્દીઓનાં મોત પછી, બાંગ્લાદેશમાં આગળના આદેશો સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસનો જીવલેણ ડેલ્ટા સ્વરૂપ ઢાકામાં ફેલાયો છે, દેશની રાજધાનીમાં આરોગ્ય સુવિધાઓ પર દબાણ વધારી રહ્યું છે.