કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુરુવારે UGC NEET UG પરીક્ષામાં પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે તમામ શૈક્ષણિક સંસ્થાઓ ભાજપના લોકોએ કબજે કરી લીધી છે. જ્યાં સુધી તેઓ મુક્ત નહીં થાય ત્યાં સુધી આ ચાલતું રહેશે. પીએમ મોદી પેપર લીકને રોકી શક્યા નથી. એક પરીક્ષામાં ગેરરીતિ બાદ તમે તેને રદ પરંતુ ખબર નથી કે અન્ય રદ થશે કે નહીં. આ માટે કોઈક તો જવાબદાર છે જેને પકડવું જોઈએ.
મેડિકલ પરીક્ષા NEETને લઈને હાલ સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. પરીક્ષાનું પેપર લીક થયાના સમાચાર બાદ હાલમાં અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ NTAએ તાજેતરમાં યોજાયેલી UGC NET પરીક્ષા રદ કરી છે. આ બધા હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુરુવારે NEET પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.
PM પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી – રાહુલ
NEET અને UGC-NET પરીક્ષા રદ કરવા પર થયેલા હોબાળા પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે PM મોદી પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં પેપર લીક થવાનું બંધ થવું જોઈએ. પેપર લીકના દોષિતોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે શું રાહુલ સંસદમાં NEET અને UGC-NET પરીક્ષા રદ કરવાનો મુદ્દો ઉઠાવશે, તો રાહુલ ગાંધીએ કહ્યું કે હા, અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે સંસ્થાઓમાં વિચારધારાના આધારે નિમણૂકો થઈ રહી છે. જેના કારણે આ સમસ્યાઓ સામે આવી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે નોટબંધી અને અર્થવ્યવસ્થા સાથે જે કર્યું તે હવે શિક્ષણ પ્રણાલી સાથે કરવામાં આવ્યું છે. જેના કારણે લોકો પરેશાન છે. સ્વતંત્ર, ઉદ્દેશ્યલક્ષી શિક્ષણ પ્રણાલીને તોડી પાડવામાં આવી છે. મહત્વનું છે કે અહીં જે લોકો દોષિત છે તેમને ન્યાયના કઠેરામાં લાવવામાં આવે અને સજા કરવામાં આવે.
રાહુલે કહ્યું NEET પેપર અને UGC-NET પેપર લીક થયા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં યુદ્ધ અટકાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ અને ગાઝામાં યુદ્ધ પણ અટકાવ્યું હતું. પરંતુ કોઈક કારણથી નરેન્દ્ર મોદી ભારતમાં પેપરો લીક થતા રોકવામાં સક્ષમ નથી અથવા તેને રોકવા માંગતા નથી.