World

PM મોદીએ પુતિન સાથે ફોન પર વાત કરી, 2 મહિનામાં બીજી વખત યુક્રેન યુદ્ધની કરી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યુક્રેનની મુલાકાતના 4 દિવસ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, “ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અંગે પુતિન સાથે વાત કરી. રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પણ તેમની સાથે મંતવ્યો શેર કર્યા.” 2 મહિનામાં આ બીજી વખત છે જ્યારે પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે યુદ્ધ રોકવાની વાત કરી છે. આ પહેલા મોદી 8 જુલાઈએ રશિયાની મુલાકાતે ગયા હતા. ત્યારે પણ બંને વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી.

પીએમ મોદીએ કહ્યું કે તેમણે પુતિનને તેમની તાજેતરની યુક્રેનની મુલાકાત વિશે પણ માહિતી આપી હતી. તેમણે યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. મોદી અને બિડેન વચ્ચે બાંગ્લાદેશના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. મોદી અને બિડેને બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

ઝેલેન્સકીએ કહ્યું હતું- યુક્રેન પીસ સમિટ ભારતમાં યોજવી જોઈએ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ગયા અઠવાડિયે ભારતીય પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે યુક્રેન યુદ્ધના ઉકેલ માટે બીજી શાંતિ પરિષદ ભારતમાં યોજવી જોઈએ. ઝેલેન્સકીએ આ અંગે પીએમ મોદી સાથે વાત કરી હતી. યુક્રેન એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે બીજી શાંતિ પરિષદ ગ્લોબલ સાઉથ દેશોમાં યોજવામાં આવે.

ઝેલેન્સકીએ કહ્યું હતું કે ભારત સિવાય બીજી શાંતિ સંમેલનનું આયોજન કરવા માટે સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી સાથે પણ વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે શાંતિ સંમેલન તે દેશમાં જ યોજાશે જે તેમાં રસ ધરાવતો હોય. આ પહેલા જૂનમાં સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ યુક્રેન શાંતિ પરિષદ યોજાઈ હતી, જેમાં રશિયાએ ભાગ લીધો ન હતો. હવે યુક્રેન ફરી એકવાર શાંતિ માટે પોતાની શરતોને આગળ ધપાવવા અને તેમાં રશિયાના પ્રતિનિધિઓને સામેલ કરવા માટે શાંતિ સમિટ યોજવાનો આગ્રહ કરી રહ્યું છે.

જણાવી દઈએ કે પીએમ મોદી ગયા અઠવાડિયે 23 ઓગસ્ટના રોજ યુક્રેનની મુલાકાતે હતા. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. હું થોડા દિવસો પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો. પછી મેં મીડિયાની સામે આંખથી આંખ મિલાવીને કહ્યું હતુ કે આ યુદ્ધનો સમય નથી.

Most Popular

To Top