Top News

PM મોદીને ભેટમાં મળી દારુમા ઢીંગલી, જાપાનમાં તેનું શું મહત્વ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ જાપાનના બે દિવસના પ્રવાસે છે. તેઓ અહીં 15માં ભારત અને જાપાનના વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે. આ પ્રસંગે જાપાનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે પીએમ મોદીને પરંપરાગત જાપાની દારુમા ઢીંગલી ભેટમાં આપવામાં આવી હતી. આ ઢીંગલી જાપાનની સંસ્કૃતિ અને માન્યતાઓ સાથે ઊંડો સંબંધ ધરાવે છે.

દારૂમાની ઢીંગલીની ડિઝાઈન અને રંગ
દારુમા ઢીંગલી એક લાલ રંગની ગોળ આકૃતિ છે. જેનો ફક્ત ચહેરો દેખાય છે પરંતુ હાથ કે પગ નથી. જાપાનમાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ કોઈ લક્ષ્ય નક્કી કરે છે તો તે ઢીંગલીની એક આંખ રંગે છે. તેમજ જ્યારે તે લક્ષ્ય પૂર્ણ થાય અથવા ઇચ્છા સાકાર થાય ત્યારે બીજી આંખને પણ રંગવામાં આવે છે. આ પ્રથાને સફળતા અને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે.

યાદ રાખવા જેવું છે કે દારુમા ઢીંગલીઓ અનેક રંગોમાં ઉપલબ્ધ છે. પરંતુ લાલ રંગ સૌથી લોકપ્રિય છે તેનું કારણ છે કે પ્રાચીન સાધુઓ લાલ વસ્ત્રો પહેરતા હતા. આ ઢીંગલી કાગળ અને ગુંદરથી બનેલી હોય છે. તેની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે છે કે તેને ગમે તેટલી વાર પડાવી દેવામાં આવે તે ફરીથી સીધી થઈ જાય છે.

ઐતિહાસિક અને ધાર્મિક જોડાણ
દારુમા ઢીંગલીનો સંબંધ પાંચમી સદીના સાધુ બોધિધર્મ સાથે છે. જેમણે ઝેન બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. માન્યતા મુજબ બોધિધર્મે એટલો લાંબો સમય ધ્યાન કર્યું કે તેના હાથ અને પગ નિષ્ક્રિય થઈ ગયા હતા. તેથી જ ઢીંગલીનો આકાર હાથ અને પગ વગરનો દર્શાવવામાં આવે છે.

જાપાનમાં દારુમા ઢીંગલીને સારા નસીબ, સફળતા અને દુર્ભાગ્યને દૂર કરવાના પ્રતીક તરીકે માનવામાં આવે છે. લગભગ દરેક ઘર, દુકાન અને મંદિરમાં તેનો ઉપયોગ જોવા મળે છે.

પ્રતીકાત્મક મહત્વ
દારુમા ઢીંગલીને જાપાની કહેવત સાથે જોડવામાં આવે છે કે “તમે ગમે તેટલી વાર નિષ્ફળ જાઓ પણ ફરીથી ઉભા થવું જોઈએ.” એ જ કારણે આ ઢીંગલીને ધીરજ, સંઘર્ષ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.

પીએમ મોદીને મળેલી આ ભેટ માત્ર જાપાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ જ નથી કરતી પરંતુ ભારત-જાપાન મિત્રતામાં એક વિશેષ સંદેશ પણ આપે છે.

Most Popular

To Top