National

“મન કી બાત” કાર્યક્રમમાં PM મોદીએ ગાયક ઝુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ આપી

આજ રોજ તા. 28 સપ્ટેમ્બર રવિવારે પ્રસારિત થયેલા “મન કી બાત” કાર્યક્રમના 126મા એપિસોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા બે મહત્વપૂર્ણ સંદેશ આપ્યા હતા. પહેલું પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ અને બીજું સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે અપીલ.

કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદીએ ઝુબીન ગર્ગના તાજેતરના અવસાનને યાદ કરતાં કહ્યું કે સમગ્ર દેશ તેમના અકાળ અવસાનથી શોકમાં છે. તેમણે જણાવ્યું કે ઝુબીન ગર્ગ માત્ર એક પ્રખ્યાત ગાયક જ નહોતા પરંતુ આસામી સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ ધરાવતા એક કલાકાર પણ હતા. તેમનું સંગીત હંમેશા જીવંત રહેશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.

ઝુબીન ગર્ગનું તા.19 સપ્ટેમ્બરના રોજ સિંગાપુરમાં અચાનક અવસાન થયું હતું. તેમનું પાર્થિવ શરીર પહેલા દિલ્હી અને ત્યાર બાદ આસામ લાવવામાં આવ્યું હતું. જ્યાં તા. 23 સપ્ટેમ્બરના રોજ અંતિમ વિધિ થઈ હતી. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ઝુબીન ગર્ગ હંમેશા બધાને યાદ રહેશે.

સ્વદેશી ઉત્પાદનો પર પણ ભાર મૂક્યો
આ પછી પીએમ મોદીએ સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ગાંધીજયંતિ નજીક છે અને ગાંધીજી હંમેશા સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્તા હતા. ખાસ કરીને ખાદીનું મહત્વ તેમણે ખાસ રીતે ઉજાગર કર્યું. પીએમ મોદીએ કહ્યું કે સ્વતંત્રતા પછી ખાદી(એક પ્રકારનું વસ્ત્ર) પ્રત્યેનો ઝુકાવ ઘટ્યો હતો પરંતુ છેલ્લા 11 વર્ષમાં લોકોમાં ખાદી પ્રત્યે ફરી રસ વધ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જે એક સકારાત્મક સંકેત છે.

પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી કે તા.2 ઓક્ટોબર ગાંધીજયંતિના દિવસે સૌ કોઈ ખાદી કે સ્વદેશી ઉત્પાદન ખરીદે. તેમણે કહ્યું કે જ્યારે આપણે સ્વદેશી વસ્તુ ખરીદીએ છીએ ત્યારે માત્ર પ્રોડક્ટ નહીં પરંતુ દેશના શ્રમિકો અને કરીગરોના પરિશ્રમને પણ માન આપી રહ્યા હોઈએ છીએ. આ સાથે તેમણે “વોકલ ફોર લોકલ” ના સૂત્રને આગળ ધપાવવાનો સંદેશ આપ્યો.

મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે આપણે શક્ય તેટલું વધુ સ્વદેશી અપનાવવું જોઈએ. આ માત્ર આર્થિક પ્રગતિ માટે નહીં પરંતુ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે પણ જરૂરી છે.

એક તરફ પીએમ મોદીએ ઝુબીન ગર્ગ જેવા પ્રતિષ્ઠિત ગાયકને શ્રદ્ધાંજલિ આપી, તો બીજી તરફ દેશવાસીઓને સ્વદેશી પ્રત્યે વફાદાર રહેવાની યાદ અપાવી. આ સંદેશ માત્ર સંગીતપ્રેમીઓ માટે જ નહીં પરંતુ દરેક નાગરિક માટે પ્રેરણાસ્રોત છે.

Most Popular

To Top