નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે મંગળવારથી બે દિવસીય દક્ષિણ ભારતના (South India) પ્રવાસે જશે. તેમજ આ પ્રવાસના ભાગરૂપે તેઓ 16 અને 17 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) અને ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (ISRF) સહિતની યોજનાઓનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલયે (પીએમઓએ) તેમની મુલાકાત અંગે માહિતી આપતા સમગ્ર માહિતી જાહેર કરી છે.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર પીએમ મંગળવારે આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેમજ પીએમ બીજા દિવસે એટલે કે આવતી કાલે બુધવારે કેરળ પહોંચશે. અહીં તેઓ ગુરુવાયૂર અને ત્રિપ્રયાર રામાસ્વામી મંદિરમાં પૂજા કરશે.
પીએમઓએ એમ પણ જણાવ્યું હતું કે બંદરો, શિપિંગ અને જળમાર્ગ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન કોચીમાં રૂ. 4,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) ના એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન પણ સામેલ છે.
આંધ્રપ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, પીએમ મોદી નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપવા માટે મંગળવારે બપોરે પલાસમુદ્રમ પહોંચશે અને સાંજે પરત ફરશે. ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી એન્ટીક્વિટીઝ સ્મગલિંગ સેન્ટર, નાર્કોટિક્સ સ્ટડી સેન્ટર અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સેન્ટરની મુલાકાત લેવા NACIN ના પહેલા માળે જશે. તેમજ પીએમ મોદી એક્સ-રે અને સામાન સ્ક્રીનિંગ કેન્દ્રો જોવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની મુલાકાત લેશે. ત્યાર બાદ વૃક્ષારોપણ અને બાંધકામ કામદારો સાથે વાર્તાલાપ કરવા શૈક્ષણિક બ્લોકની મુલાકાત લેશે.
આ દરમિયાન વડાપ્રધાન મોદી કેટલાક તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરશે અને ‘ફ્લોરા ઓફ પલાસમુદ્રમ’ નામના પુસ્તકનું વિમોચન પણ કરશે. ત્યાર બાદ વડાપ્રધાન NACIN ને માન્યતા પ્રમાણપત્ર પણ અર્પણ કરશે. આ દરમિયાન પીએમ મોદી એક સભાને પણ સંબોધિત કરશે. મોદી લેપાક્ષી મંદિરની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડી મોદીના કાર્યક્રમમાં હાજરી આપશે.
સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં હાજરી આપશે મોદી
બુધવારે સવારે મોદી ગુરુવાયુર જશે. જ્યાં તેઓ મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ અભિનેતા અને રાજકારણી એવા સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં હાજરી આપશે. ત્યાર બાદ વડા પ્રધાન કોચી પાછા ફરશે. જ્યાં તેઓ લગભગ 6,000 શક્તિ કેન્દ્રોના પ્રભારીઓ સાથે પાર્ટીની બેઠકમાં હાજરી આપશે.