ગુરુવારે બપોરે અમદાવાદના મેઘાણીનગરમાં લંડન જતું એર ઈન્ડિયાનું ડ્રીમલાઈનર 717 પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. રૂપાણી પત્ની અને બાળકોને મળવા લંડન જઈ રહ્યાં હતાં ત્યારે કમનસીબ ઘટનાના ભોગ બન્યા છે.

દરમિયાન PM નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. સવારે લગભગ 9 વાગ્યે પ્રધાનમંત્રીએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ત્યારબાદ પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને મળ્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ સિવિલમાં પ્લેન ક્રેશમાં બચેલા યુવાન સાથે વાત કરી હતી.

અમદાવાદ થી PM મોદી વિજયભાઈ રૂપાણીજીના પરિવારને મળવા પહોંચ્યા હતા. વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. બાદમાં વડાપ્રધાને પોસ્ટમાં લખ્યું હતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં ‘ઈઝ ઑફ લિવિંગ’ એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.
રાજકોટમાં અંતિમવિધિ થાય તેવી ચર્ચા
આજે દિવંગત વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી ગાંધીનગર આવી પહોંચ્યાહતા. હવે જાણવા મળ્યું છે કે વિજય રૂપાણીની અંતિમ વિધિ તેમના વતન રાજકોટમાં આવતીકાલે થશે. જોકે અંતિમ વિધિ અંગેનો નિર્ણય તેમનો પુત્ર અમેરિકાથી પરત આવે ત્યાર બાદ લેવાશે. તેમનો પુત્ર ઋષભ અમેરિકાથી ગુજરાત આવવા રવાના થઈ ગયો છે.
દરમિયાન ગાંધીનગર સ્થિત દિવંગત વિજય રૂપાણીના નિવાસ સ્થાને તેમના પરિવારજનો અને રાજકારણીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યાં છે. અંજલિબેન આજે સવારે જ ગાંધીનગર પહોંચ્યા છે. તેમને મળી નેતાઓ અને પરિવારજનો સાંત્વના આપી છે.
એક વાત એવી આવી છે કે ત્રણ દિવસ બાદ વિજય રૂપાણીની અંતિમવિધિ થઈ શકે છે. પુત્ર ઋષભ આવતીકાલે સવારે 4 વાગ્યે ગુજરાત આવશે. ડીએનએ મેચ થયા બાદ પરિવાર રાજકોટ આવશે અને ત્યાં અંતિમવિધિ થઈ શકે છે.
રાજકોટમાં અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાળવા કોંગ્રેસ પ્રવક્તાની અપીલ
કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે વિજય રૂપાણીના નિધનને લઇને રાજકોટમાં અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાળવા રાજકોટવાસીઓને અપીલ કરી છે.
વિજયભાઈ પુજીત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી અનેક પરિવારોને મદદરૂપ બન્યા છે. રાજકોટના અનેક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ વિજયભાઈ લાવ્યા છે. અમદાવાદમાં ડીએનએ ટેસ્ટ બાદ રાજકોટમાં વિજયભાઈ રૂપાણીની સ્મશાન યાત્રા નીકળે તે સમયે રાજકોટના વેપારીઓ અને શહેરીજનો પોતાના ધંધા સ્વૈચ્છિક સંપૂર્ણપણે બંધ રાખી વિજયભાઈની રાજકોટની કામગીરીનું ઋણ ચૂકવે તેવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વતી અપીલ છે.