નવી દિલ્હી: દેશમાં કોરોનાથી બગડતી જતી સ્થિતિને લઈને વડાપ્રધાન મોદીએ (PM Modi) મંગળવારે સાંજે દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે કોરોના વિરૂદ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે. કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. કોરોનાને કારણે જે પડકારો સામે આવ્યા છે તેનો સાથે મળીને સામનો કરવો પડશે. તેણે કહ્યું કે પડકાર ખૂબ મોટો છે અને તેનો હિમ્મતથી સામનો (Face with courage) કરવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે ઓક્સિજનની ઘણી માંગ વધી રહી છે. ઓક્સિજનનો પુરવઠો વધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તમામ ફાર્માસ્યુટિકલ કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે. આપણાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કઠિનથી કઠિન સમયમાં પણ ધેર્ય ન ગુમાવવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા યોગ્ય નિર્ણય પણ લો, ત્યારે જ આપણે વિજય મેળવી શકીશું. આ મંત્રને સામે રાખીને આજે દેશ દિવસ-રાત કામ કરી રહ્યો છે.’
તેમણે કહ્યું કે બીજી લહેરમાં જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું. પીએમ મોદીએ લોકડાઉનને કારણે પલાયન કરનારા મજૂરોને અપીલ કરતાં કહ્યું કે, જે જ્યાં છે ત્યાં જ રહે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર (State Government) તેમનામાં વિશ્વાસ બનાવી રાખે. તેની સાથે જ પીએમ મોદીએ શ્રમિકોને કહ્યું કે, તેમને ત્યાં જ વેક્સીન લાગશે.
ભારતમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. ભારતે અત્યારે વિશ્વમાં સૌથી પહેલા 10, 11 અને 12 કરોડ લોકોને વેક્સિન આપી છે. ગઈકાલે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 મેથી વેક્સિન આપવાની જાહેરાત કરી છે. દેશની સરકારી હોસ્પિટલોમાં લોકોને ફ્રી વેક્સિન મળતી રહેશે. જેથી ગરીબો તેનો લાભ લઈ શકે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની મદદથી શ્રમિકોને પણ વેક્સિન આપવામાં આવશે. અમારી રાજ્ય સરકારને અપીલ છે કે તે શ્રમિકોમાં વિશ્વાસ જગાવે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કોરોના વોરિયર્સના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે હું દેશના તમામ ડોકટર, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, સુરક્ષાદળ, પોલીસ કર્મચારીની પ્રશંસા કરીશે. તમે કોરોનાની પહેલી લહેરમાં પણ પોતાના જીવને દાંવ પર લગાવ્યો હતો. આજે ફરી તમે આ સંકટને પોતાના પરિવાર, સુખ અને ચિંતાઓને છોડીને બીજાના જીવનમાં બચાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છો.
તેમણે કહ્યું, આ વખતે કેસ વધ્યા તો દેશના ફાર્મા સેક્ટરે દવાઓના ઉત્પાદનમાં વધારો કર્યો છે. આજે જાન્યુઆરી-ફેબ્રુઆરીની તુલનામાં અનેક ગણી દવાઓનું પ્રોડક્શન થઈ રહ્યું છે. દેશમાં ઓક્સિજનની સપ્લાઈ વધે અને બધાને ઓક્સિજન મળે તે માટે પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. નવા ઓક્સિજન પ્લાન્ટ ખોલવામાં આવી રહ્યાં છે. દરેક જરૂરીયાત લોકોને ઓક્સિજન પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુશ્કેલ સમયમાં આપણે ધૈર્ય ગુમાવવાનું નથી. કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય જરૂરી. આપણે આ લડાઈ લડીશું અને જીતીશું.