આગામી નજીકના દિવસોમાં ગાંધીનગર પાસે ગીફટ સિટી ખાતે બુલિયન એકસચેન્જ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં કેન્દ્રિય નાણા મંત્રી નિર્મળા સીતારમણે ગીફટ સિટીની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય ફાન્સિયલ સર્વિસ સેન્ટરની કામગીરીની પણ ચકાસણી કરી હતી.
આગામી વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી પણ ગીફટ સિટીની મુલાકાત લે તેવી સંભાવના છે. ત્યારે મંગળવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે સવારે ગીફટ સિટીની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ ગતિવિધિઓની તલસ્પર્શી જાણકારી મેળવીને હાથ ધરાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ ગિફટ સિટીના હિરાનંદાની ટાવરમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓ પણ સ્ટોક એક્સચેન્જની પ્રત્યક્ષ મુલાકાત લઇને નિહાળી હતી. તેમણે સમગ્ર ગિફટ સિટી સંકુલની અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યુ હતું.મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની ગિફટ સિટીની આ પ્રથમ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડ, એમ.ડી. તપન રે સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
ગિફટ સિટીમાં નવા શરૂ થઈ રહ્યા આ પ્રોજેક્ટ
મુખ્યમંત્રીને ગિફટ સિટીમાં જે નવા પ્રોજેકટ શરૂ થઈ રહ્યા છે તેમાં મુખ્યત્વે બુલિયન એક્સચેન્જ, એરક્રાફટ લિઝીંગ અને શિપ લીઝીંગ બિઝનેસ એક્ટિવિટીઝ, ફિનટેક હબ, ગ્લોબલ ઇનહાઉસ સેન્ટર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્માણાધિન ઇન્ટરનેશનલ મેરિટાઇમ કલસ્ટર, ડેવલપિંગ ઓફ શોર ફંડ બિઝનેસ અને સુચિત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંગેની વિસ્તૃત માહિતી ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડે આપી હતી.સીએમ પટેલે ગિફટ સિટીમાં આ પ્રોજેક્ટ્સ ઉપરાંતના અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના કામો માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે ફોલોઅપ-સંકલન કરીને ત્વરાએ ઉકેલ લાવી કાર્યવાહી ઝડપી બનાવવા પણ આ સમીક્ષા બેઠકમાં સુચન કર્યુ હતું