પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોની પાંચ દિવસીય મુલાકાતે રવાના થયા છે. 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી પીએમ મોદી ત્રણ દેશોની મુલાકાતે જશે. પીએમ મોદી આ દરમિયાન બ્રાઝિલ, ગયાના અને નાઈજીરિયાની મુલાકાત લેશે. PM મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ જશે. વિદેશ મંત્રાલયે આ મામલે માહિતી આપી હતી. PM મોદી બ્રાઝિલમાં G-20 સમિટ દરમિયાન ઘણા વૈશ્વિક નેતાઓને પણ મળી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બપોરે લગભગ 1.30 વાગે નાઈજીરિયાના પ્રવાસે રવાના થયા હતા. રાષ્ટ્રપતિ અહેમદ ટીનુબુના આમંત્રણ પર તેઓ પ્રથમ વખત નાઈજીરીયાની મુલાકાતે છે. 17 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. મોદી પહેલા 2007માં તત્કાલિન પીએમ ડો. મનમોહન સિંહ નાઈજીરિયા ગયા હતા.
પીએમ મોદી રવિવારે રાષ્ટ્રપતિ ટીનુબુને મળશે. તેમની વચ્ચે ભારત-નાઈજીરીયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. આ પછી મોદી રાજધાની અબુજામાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે, નાઈજીરિયામાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી 150થી વધુ ભારતીય કંપનીઓ છે.
તેલ અને ગેસના વિશાળ ભંડારને કારણે નાઈજીરિયા આફ્રિકાના મહત્ત્વના દેશોમાંનું એક છે. આ દેશ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરે છે. આફ્રિકામાં ભારતીય રોકાણ સતત વધી રહ્યું છે, ખાસ કરીને ઉર્જા, ખાણકામ, ફાર્માસ્યુટિકલ્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં. નાઈજીરીયા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (OIC) અને ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (OPEC) ના એક મહત્વપૂર્ણ સભ્ય છે. આ બંને સંસ્થાઓ ભારતની કૂટનીતિ અને આર્થિક નીતિ માટે મહત્વપૂર્ણ છે.