નવા રાયપુરમાં આજ રોજ તા. 1 નવેમ્બર શનિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ, અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહ સહિત અનેક અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા. આ વિધાનસભા ભવન રૂ. 273 કરોડના ખર્ચે બનેલ છે.
નવા રાયપુરના સેક્ટર-19 વિસ્તારમાં આવેલી આ વિધાનસભા ઇમારતનું નિર્માણ ત્રણ વર્ષમાં પૂર્ણ થયું છે. તેનો શિલાન્યાસ ઓગસ્ટ 2020માં અને બાંધકામની શરૂઆત ઓગસ્ટ 2022માં થઈ હતી. આ ઇમારત પરંપરાગત ભારતીય મહેલોની શૈલીમાં ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં 13 ભવ્ય ગુંબજ બનાવવામાં આવ્યા છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ તેમની માતાના નામે એક વૃક્ષ વાવ્યું અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે આ ઇમારત લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.
પીએમ મોદીએ પણ અટલજીને પણ યાદ કર્યા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણે આ ભવ્ય અને આધુનિક વિધાનસભાનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ ત્યારે તે ફક્ત એક ઇમારતનો સમારોહ નથી. પરંતુ 25 વર્ષની જાહેર આકાંક્ષા, સંઘર્ષ અને ગૌરવની ઉજવણી છે. હું તે મહાન વ્યક્તિને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમના દ્રષ્ટિકોણ અને કરુણાથી આ રાજ્યની સ્થાપના થઈ. તે મહાન વ્યક્તિ ભારત રત્ન, આદરણીય અટલ બિહારી વાજપેયી છે.
જ્યારે અટલ બિહારી વાજપેયીએ 2000 માં છત્તીસગઢ રાજ્ય બનાવ્યું. ત્યારે તે નિર્ણય ફક્ત વહીવટી નહોતો. તે છત્તીસગઢના આત્માને ઓળખવાનો નિર્ણય હતો. આજે જ્યારે આ વિધાનસભા ભવન સાથે અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારે હૃદય કહે છે “જ્યાં પણ અટલજી છે જુઓ અટલજી, તમારું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.”
ઈમારત ત્રણ મુખ્ય બ્લોકમાં વહેંચાયેલ છે:
- બ્લોક A – સચિવાલય, સમિતિ રૂમ અને કર્મચારીઓના કચેરીઓ.
- બ્લોક B – સ્પીકર, મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા અને સભ્યોના ચેમ્બર સાથે સેન્ટ્રલ હોલ.
- બ્લોક C – ધારાસભ્યોના ચેમ્બર, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ અને બેંક જેવી સુવિધાઓ.
નવી વિધાનસભા ભવનમાં 500 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ, હાઇ-ટેક લાઇબ્રેરી, આર્ટ ગેલેરી અને સંગ્રહાલય પણ છે.
આ નવી વિધાનસભા ભવન માત્ર એક ઈમારત નહીં પરંતુ છત્તીસગઢના વિકાસ અને લોકશાહીના નવા યુગનું પ્રતીક બની છે.