વ્યારા: વડાપ્રધાન મોદીએ તાપી(Tapi) જિલ્લામાં વ્યારા(Vyara)ના ગુણસદા ગામેથી રૂ.2200 કરોડથી વધુના વિકાસનાં કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પી.એમ મોદીએ જણાવ્યું હતું કે, આખરે ભાજપે જ આદિવાસીઓની ચિંતા કરી છે, કોંગ્રેસે તો મજાક ઉડાવી હતી. આદિવાસી સમાજનું કલ્યાણ થાય એવા જ અમારા પ્રયાસો છે.
સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસન સ્થળોને વેગ મળશે
પીએમે તાપી જિલ્લાના વ્યારાની મુલાકાત લીધી હતી અને રૂ. 1970 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કર્યુ હતું. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તાના સુધારાની સાથે સાથે સંપર્ક વિહોણા રસ્તાના નિર્માણ માટે પણ તેમણે શિલાન્યાસ કર્યુ હતું. આ સાથે તાપી અને નર્મદા જિલ્લામાં રૂ. 300 કરોડથી વધુના પાણી પુરવઠા પ્રોજેક્ટનો પણ વડાપ્રધાને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાનના મુખ્ય મંચ 220 મીટરના ત્રણ ડોમ બનાવવામાં આવ્યાહતા. સાથે આજુબાજુ 180 મીટરના 2 ડોમમાં લોકો માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વરસાદના માહોલ વચ્ચે વોટરપ્રૂફ મંડપની રચના કરવામાં આવી હતી.
કોંગ્રેસ આદિવાસી સમાજની મજાક ઉડાવે છે: પી.એમ મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, એક બાજુ ભાજપની અને એક બાજુ કોંગ્રેસની સરકાર જોઈ લો. કોંગ્રેસના નેતાઓ આદિવાસી સમાજની મજાક ઉડાવે છે. પહેલાની સરકારને તમારી નહીં માત્ર મતની જ ચિંતા હતી. એક સમયે તો રાત્રે લોકો જમવા માટે વીજળીઓ માગતા હતા. અન્ય પક્ષ હોત તો અમદાવાદ, વડોદરા જેવા જિલ્લાઓ પસંદ કર્યા હોત. આદિવાસી વિસ્તારમાં ખેતીનો વિકાસ થાય તે માટે અમે કામ કર્યુ છે. વલસાડમાં વરસાદ ખૂબ પડે, પણ બધુ પાણી રગડીને જતું રહે. કોંગ્રેસના નેતાઓને એ પણ સમય નહોતો કે તે માટે કામ કરે. ઉકાઈ યોજનાનો લાભ આદિવાસી લોકોને મળે કે માટે અમે સુધારા કર્યા. પી.એમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, જો તમારા ઘરમાં કોઈ બીમાર પડે અને હોસ્પિટલનો ખર્ચો થાય તો 5 લાખ સુધીનો ખર્ચો તમારો આ દીકરો ભરવા માટે તૈયાર છે. આયુષ્યમાન કાર્ડ તો સોનાની લગડી જેવું છે. તમે મુંબઈ હોવ, કલકત્તા હોવ કે ગમે ત્યાં હોય પેલું કાર્ડ બતાવો, મોદી સાહેબનો ફોટો જોવે એટલે દરવાજા ખુલ્લા.’