પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા. 25 નવેમ્બરના રોજ રામ મંદિર ધ્વજવંદન સમારોહ માટે અયોધ્યાના રામ મંદિર પહોંચ્યા. તેમણે ઐતિહાસિક ધ્વજવંદન સમારોહ પહેલા શેષાવતાર મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ અભિજીત મુહૂર્તમાં 11.58 મિનિટે મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદી અને સંઘના વડા મોહન ભાગવતે ધર્મ ધ્વજ લહેરાવી હતી.
વડાપ્રધાને જે ધ્વજ ફરકાવ્યો તે ખાસ કરીને રામ મંદિર માટે બનાવવામાં આવ્યો છે. તે આશરે 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો છે. આ ધ્વજ 161 ફૂટ ઊંચા મંદિરના શિખર અને 42 ફૂટ ઊંચા ધ્વજસ્તંભને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
મોદી, મોહન ભાગવતે રામલલ્લાની આરતી કરી
ઐતિહાસિક ધ્વજવંદન સમારોહ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરએસએસ વડા મોહન ભાગવતે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાને પ્રાર્થના કરી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે, પીએમ મોદી અને આરએસએસ વડા મોહન ભાગવતે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઐતિહાસિક ધ્વજવંદન સમારોહ પહેલા શ્રી રામ દરબાર ગર્ભગૃહમાં આરતી કરી હતી.
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ પહેલા શેષાવતાર મંદિરમાં પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ સપ્તમંદિરની મુલાકાત લીધી, જેમાં મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકિ, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત મંદિરો આવેલા છે.
પીએમ મોદીએ રોડ શો કર્યો
આ અગાઉ અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો થયો હતો. રોડ શો સાકેત કોલેજથી શરૂ થયો હતો, જ્યાં પ્રધાનમંત્રી જોરદાર સ્વાગત અને હર્ષોલ્લાસ સાથે આગળ વધ્યા હતા. પીએમ મોદી ગેટ નંબર 11 દ્વારા રામ મંદિર સંકુલમાં પ્રવેશ કર્યો હતો.