જયપુર: (Jaipur) 2014 થી આ લોકોનું રાજ છે, હિંદુત્વવાદીઓનું (Hinduism) શાસન છે, હિંદુઓનું (Hindu) નહીં…. આપણે ફરી એકવાર આ હિંદુત્વવાદીઓને બહાર કાઢીને હિંદુઓનું શાસન પાછું લાવવું પડશે. કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બરે જયપુરની રેલીમાં આ વાત કહી ત્યારે ફરી એકવાર હિંદુ વિરુદ્ધ હિંદુત્વનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલના ભાષણના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એક તો રાહુલ ગાંધી કે કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વની પીચ પર રમવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે કાશી વિશ્વવનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરી કહ્યું છે કે કેટલીય સલ્તનતો આવી અને માટીમાં ભળી ગઈ પરંતુ બનારસ ત્યાંનું ત્યાં જ છે. ઔરંગઝેબના અત્યાચારનું કાશી સાક્ષી છે. જેણે સંસ્કૃતિને કટ્ટરતાથી કચડવાની કોશિશ કરી. અહીં જો ઔરંગઝેબ આવે છે તો શિવાજી પણ ઊભા થાય છે. જો સાલાર મસૂદ આગળ વધે છે તો મહારાજા સૂહેલદેવ તેનો મુકાબલો કરે છે.. ત્યારે હવે હિંદુત્વ અને હિંદુઓ પર બંને પક્ષો આવનારી ચૂંટણીમાં શું અસર દેખાડશે તે જોવું રહ્યું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે કહ્યું હતું કે ભારત હિન્દુઓનો દેશ છે અને હિન્દુત્વવાદીઓનો નથી, જે હિન્દુત્વવાદીઓ કોઇ પણ કિંમતે સત્તા પર ટકી રહેવા માગે છે. કોંગ્રેસની વિશાળ મોંઘવારી વિરોધી રેલીને સંબોધન કરતા પક્ષના આ વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું હતું કે દેશમાં મોંઘવારી અને પીડાઓ છે અને આ હિન્દુત્વવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ દેશ હિન્દુઓનો છે, હિન્દુત્વવાદીઓનો નથી. જો દેશમાં મોંઘવારી છે, પીડાઓ છે તો તે હિન્દુત્વવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે. હિન્દુત્વવાદીઓ કોઇ પણ ભોગે સત્તા પર ટકી રહેવા માગે છે એમ રાહુલે કહ્યું હતું. તેમણે વડાપ્રધાન મોદીને પણ નિશાન બનાવ્યા હતા અને કહ્યું હતું કે મોદીજી અને તેમના ત્રણ-ચાર ઉદ્યોગપતિ મિત્રો સાત વર્ષથી દેશને બરબાદ કરી રહ્યા છે. હિન્દુ અને હિન્દુત્વ એ બંને જુદા શબ્દો છે એમ કહેતા રાહુલે કહ્યું હતું કે જેમ બે જીવોનો એક આત્મા હોઇ શકે નહીં, તેમ બે શબ્દોનો એક અર્થ હોઇ શકે નહીં. હિન્દુ તે છે કે જે કોઇનાથી ડરતો નથી, બધાને અપનાવે છે અને તમામ ધર્મોને માન આપે છે એમ કોંગ્રેસના આ નેતાએ કહ્યું હતું. રાહુલે કહ્યું હતું કે મહાત્મા ગાંધી હિન્દુ હતા અને ગોડસે હિન્દુત્વવાદી હતો. હિન્દુત્વવાદીનો માર્ગ સત્તાગ્રહ છે અને સત્યાગ્રહ નથી એ મુજબ રાહુલે કહ્યું હતું.
જયપુર ખાતેની કોંગ્રેસની આ મોંધવારી વિરોધી રેલીમાં પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી, પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ તથા અન્ય વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની મોડેથી જયપુર આવ્યા હતા પણ રેલીમાં તેમણે ભાગ લીધો ન હતો. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ તેમને મળ્યા હતા. પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ રેલીને સંબોધન કર્યું ન હતું, પણ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રેલીને સંબોધન કર્યું હતું જેમાં તેમણે દેશની સંપતિ ઉદ્યોગપતિઓને વેચવાના કથિત પ્રયાસ બદલ મોદી સરકારને વખોડી હતી.