ગાંધીનગર: (Gandhinagar) આવતીકાલે 1લી મેથી બે દિવસ માટે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. મોદી બે દિવસમાં છ સભાઓને સંબોધન કરનાર છે, જેના પગલે આજે દિવસ દરમ્યાન ગાંધીનગરમાં કમલમ સહિત જ્યાં સભાઓ થવાની છે, તે શહેરોમાં ભાજપની બેઠકોનો દોર સતત ચાલુ રહ્યો હતો.
- આજથી મોદી બે દિવસ ગુજરાતમાં, છ ચૂંટણી સભાઓને સંબોધન કરશે
- આજે ડીસા અને હિંમતનગર, કાલે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભા ગજવશે
- મોદીની મુલાકાત પૂર્વે ક્ષત્રિયોની તલવાર મ્યાન કરવા ભાજપના મરણિયા પ્રયાસ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષ વહેલા આવી પહોંચ્યા
એક સભા દરમ્યાન બેથી ત્રણ લોકસભા બેઠકોને આવરી લેવાય તેવી ભાજપ દ્વારા રણનીતિ ઘડાઈ છે. આવતીકાલે 1લી મેના રોજ પીએમ મોદી બપોરે 2.30 કલાકે ડીસા તથા 4.15 કલાકે હિંમતનગર ખાતે સભાને સંબોધન કરશે. જ્યારે 2જી મેના રોજ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે જઈ રહ્યા છે. સવારે 10 કલાકે આણંદમાં, બપોરે 12 કલાકે સુરેન્દ્રનગરમાં, 2.15 કલાકે જૂનાગઢમાં અને બપોર પછી 4.15 કલાકે જામનગરમાં ચૂંટણી સભાને સંબોધન કરશે.
પીએમ મોદી ગુજરાતમાં આવે તે પહેલા ક્ષત્રિય સમાજના વિરોધનો સૂર શાંત પડી જાય તેવા પ્રયાસો સાથે પ્રદેશ ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવાયો છે. ખાસ કરીને ભાજપના હાઈકમાન્ડની સૂચનાને પગલે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ પણ અમદાવાદ – ગાંધીનગર આવી પહોંચ્યા છે. સંતોષ દ્વારા પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર તથા સિનિયર અગ્રણીઓ સાથે બે્ઠકો કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 2014 અને 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠોકો મળી હતી. આ વખતે પણ 26માંથી 26 બેઠકો મેળવવા ભાજપ દાવા કરી રહ્યું છે.