National

પ્રજાની PM ને અનોખી ભેટ: એક જ દિવસમાં 2 કરોડ લોકોએ રસી લઈ સર્જયો રેકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને દેશમાં વેક્સીનેશનનો રેકોર્ડ સર્જાયો છે. વેક્સીનેશન મેગા ડ્રાઈવનો મોટી સંખ્યામાં લાભ ઉઠાવીને દેશની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખી ભેટ આપી છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 2 કરોડ લોકોએ આજે એક જ દિવસમાં રસી મુકાવી છે. મોડી રાત્રે 9 વાગ્યા સુધી વેક્સીનેશન મેગા ડ્રાઈવ દેશભરમાં ચાલવાની હોય હજુ વધુ લોકો રસી મુકાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
કોવિન એપ્લીકેશનના ડેટા અનુસાર સવારથી સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજે 2 કરોડ લોકોએ રસીકરણ કરાવ્યું છે. આ પહેલી વખત છે જ્યારે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં રસીકરણ થયું હોય. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સરકાર ઓક્ટોબરના બીજા અઠવાડિયા સુધીમાં દેશમાં 1 અબજ લોકોને વેક્સીનના બંને ડોઝ મુકી દેવા માંગે છે.

સાંજે 5 વાગ્યા સુધીમાં 2 કરોડને રસી મુકાય, હજુ વેક્સીનેશનની કામગીરી જારી
આજે શુક્રવારે વડાપ્રધાનના જન્મદિવસે બપોરે 3.20 કલાક સુધીમાં 1.50 કરોડ લોકોએ રસી મુકાવી દીધી હતી, જે 5 વાગ્યા સુધીમાં 2 કરોડના આંકડાને પાર કરી ગઈ હતી. મોડી રાત્રે 9 વાગ્યા સુધીમાં રસીકરણનો આંકડો 2.50 કરોડને પાર કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.
આ અગાઉ 27 ઓગસ્ટના દિવસે 1.13 કરોડ, 31 ઓગસ્ટે 1.33 કરોડ લોકોએ રસી મુકાવી હતી. આ રેકોર્ડ આજે તૂટી ગયો છે અને નવો રેકોર્ડ સર્જાય તેવી ભારોભાર શક્યતા રહેલી છે.

રાજ્યો પાસે વેક્સીનના 7.60 કરોડ ડોઝ ઉપલ્બ્ધ
દેશમાં વેક્સીનનો પૂરતો સ્ટોક છે. સાંજ સુધીમાં દેશના વિવિધ રાજ્યો પાસે 7.60 કરોડ ડોઝ ઉપલ્બ્ધ છે. આ મહિનાના અંત સુધીમાં વધુ 1 કરોડ ડોઝ આવશે. સપ્ટેમ્બર મહિનામાં દેશભરમાં કોવિશીલ્ડના 20 કરોડ ડોઝ આપવામાં આવે તેવી શક્યતા છે. ગયા મહિને કોવિશીલ્ડના 19 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. આ મહિને કોવેક્સીનના 3.25 કરોડ ડોઝ આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રસી લેવા લોકોને અપીલ કરી


કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને ફ્રીમાં કોવિડ-19ની વેક્સીન આપવાની જાહેરાત કરી હતી, તે અનુસાર લોકોને ફ્રીમાં રસી મળી રહી છે. ત્યારે આજે લોકોએ રસી મુકાવી વડાપ્રધાનને જન્મદિવસની ભેંટ આપવી જોઈએ. માંડવીયાએ એક ટ્વીટના માધ્યમથી લોકોને રસી મુકાવવા અપીલ કરી હતી.

Most Popular

To Top