સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Modi) 17 સપ્ટેમ્બરના રોજ 73મા જન્મ દિવસ નિમિતે સુરતની અમૃતમ સંસ્થા દ્વારા અનોખી ઉજવણી કરાઈ હતી. 150 જેટલી મહિલાઓએ મધર મિલ્ક (Mother Milk) દાન કરી અનાથ, નવજાત બાળકોને મદદરૂપ થવા આગળ આવી હતી. એટલું જ નહીં પણ એક સેવાભાવથી આ સંસ્થા દ્વારા દર વર્ષે મિલ્ક ડોનેટ (Milk Donate) કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. જન્મની સાથે બાળકને પ્રથમ માતાનું દૂધ ઘણું આવશ્યક હોય છે પરંતુ જે માતાને ધાવણ ન આવતું હોય તેવા બાળકો માટે મિલ્ક બેંક દૂધની જરૂરિયાત પૂરી પાડે છે. અત્યાર સુધી આ સંસ્થાના માધ્યમ થકી માતાઓએ 8,21550 મિલી લીટર પોતાના ધાવણનું દૂધ દાન કર્યું છે.
- સુરતની 150 મહિલાઓએ ધાવનનું દૂધ દાન કર્યું
- સંસ્થા દ્વારા વર્ષ 2008 થી માસૂમ બાળકો માટેની સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે
- અત્યાર સુધી આ સંસ્થાના માધ્યમ થકી માતાઓએ 8,21550 મિલી લીટર પોતાના ધાવણનું દૂધ દાન કર્યું છે
ડો. ચેતના શાહ એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે તાજા જન્મેલા બાળકો માટે શહેરની અમૃતમ સંસ્થા દ્વારા મિલ્ક ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સુરતના સીટી લાઈટ સ્થિત અગ્રેસન ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. મિલ્ક ડોનેટ કેમ્પમાં શહેરની 150 જેટલી મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મહિલાઓ દ્વારા સેવા ભાવથી માસુમ બાળકો માટે પોતાના ધાવણનું દાન કરવામાં આવ્યુ હતું. સુરતના સાંકેત ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 20 જેટલા ડોક્ટર્સ સહિત 100 જેટલા વોલીયન્ટર્સે સેવા આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા વર્ષ 2008 થી માસૂમ બાળકો માટેની સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. અત્યાર સુધી આ સંસ્થાના માધ્યમ થકી માતાઓએ 8,21550 મિલી લીટરના ધાવણનું દૂધ દાન કર્યું છે. જે દૂધ હાલ એકત્રિત કરી સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આવેલી યશોદા મિલ્ક બેંકમાં ડોનેટ કરવામાં આવે છે. આ દૂધ જરૂરિયાતમંદ માતાઓને પણ પૌષ્ટિકરૂપે આપવામાં આવતું હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં આજે 150 જેટલી માતાઓ પોતાના ધાવણનું દૂધનું દાન કરી માતા યશોદાની ભૂમિકા ભજવી હતી.