નવી દિલ્હી: મહારાષ્ટ્રના (Maharashtra) સિંધુદુર્ગમાં ચાર દિવસ પહેલા તા. 26 ઓગષ્ટના રોજ છત્રપતિ શિવાજી મહારાજની (Shivaji Maharaj) 35 ફુટ ઉંચી પ્રતિમા પડી ગઈ હતી, જેના કારણે મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આજે શુક્રવારે પોતાના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પાલઘરમાં આ ઘટના માટે માફી માંગી હતી.
દેશના વડાપ્રધાન મોદી આજે તા. 30 ઓગષ્ટના રોજ મહારાષ્ટ્રના પ્રવાસે હતા. ત્યારે પોતાના આ પ્રવાસ દરમિયાન તેમણે પાલઘરમાં એક સભાને સંબોધતા ચાર દિવસ પહેલા જે શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થઇ હતી, તે અંગે માફી માંગી હતી. આ પ્રતિમાનું લોકાર્પણ ગયા વર્ષે 4 ડિસેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કર્યું હતું. ત્યારે તેમના દ્વારા લોકાર્પિત પ્રતિમાના પડી જવા માટે માફી માંગતા પીએમ મોદીએ કહ્યું હતું કે શિવાજી અમારા માટે આરાધ્ય છે. તેમજ હું સિંધુદુર્ગમાં બનેલી ઘટના અંગે તેમની માફી માંગુ છું.
વડાપ્રધાન મોદીએ માંગી માફી
વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતુ કે, “અમારા મૂલ્યો અલગ છે. અમે એવા લોકો નથી કે જે દરરોજ ભારત માતાના મહાન સપૂત વીર સાવરકર વિશે ખરાબ વાતો બોલે. અપમાન કરતા રહે. તે લોકો (વિપક્ષ) દેશભક્તોની ભાવનાઓને કચડી નાંખે છે. વીર સાવરકરને અપમાનિત કર્યા પછી પણ તેઓ માફી માંગવા તૈયાર નથી. તેઓને કોઇ પસ્તાવો નથી. મહારાષ્ટ્રના લોકો હવે તેમના મૂલ્યો જાણી ગયા છે.’’
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટવા બાબતે માફી માંગતા પીએમ મોદીએ કહ્યુ હતું કે, ‘મારા માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર એક નામ નથી. એક રાજા નથી. મારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય છે. સિંધુદુર્ગમાં તાજેતરમાં જે કંઈ પણ થયું, આ ઘટના બદલ હું મારા આરાધ્ય દેવ છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં નતમસ્તક થઇને માફી માંગું છું.’
સભામાં પીએમ મોદીએ વધુમાં કહ્યું હતુ કે, “એક સમય હતો કે જ્યારે ભારતની ગણતરી વિશ્વના સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રોમાં થતી હતી. ભારતની આ સમૃદ્ધિનો મુખ્ય આધાર હતો – ભારતની દરિયાઈ શક્તિ. દેશની આ શક્તિને મહારાષ્ટ્રથી વધુ સારી રીતે કોણ જાણી શકે? છત્રપતિ શિવાજી મહારાજે દરિયાઈ વેપાર અને દરિયાઈ શક્તિને નવી ઊંચાઈ આપી હતી, અને દેશની પ્રગતિ માટે નવી નીતિઓ બનાવી અને નિર્ણયો લીધા હતા.”
મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા – PM મોદી
મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. વડવાણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જે દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.’ આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. તેમજ PM મોદીએ લગભગ રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.