નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7.15 કલાકે કાર્યક્રમ યોજાશે પરંતુ તે પહેલા જ સંભવિત મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. એવી અટકળો છે કે મોદીની સાથે લગભગ 63 મંત્રીઓ શપથ લઈ શકે છે. આ પહેલાં મોદીએ રવિવારે સવારે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેઓ અટલજીની સમાધિ અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા હતા. સવારે મોદીએ તેમના નિવાસસ્થાને સંભવિત મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. મોદીના ઘરે પહોંચેલા નેતાઓમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમન, અશ્વિની વૈષ્ણવ અને એસ જયશંકરની સાથે શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર અને કુમારસ્વામી પણ પહોંચ્યા હતા. નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અર્જુન રામ મેઘવાલ પણ જોવા મળ્યા હતા.
લોકસભા ચૂંટણી 2024માં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએ ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ રવિવારે સાંજે 7:15 વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેશે અને તેમની સાથે અન્ય સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. સ્વતંત્ર પ્રભારી અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જો કે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. TDP અને JDUમાંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી મહેમાનો સહિત કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે.
આ નેતાઓને મંત્રી પરિષદમાં સામેલ કરી શકાય છે
કેન્દ્રીય મંત્રી પરિષદમાં મનોહર લાલ, શિવરાજ સિંહ ચૌહાણ, બંડી સંજય કુમાર અને રવનીત સિંહ બિટ્ટુ સહિત ઘણા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારમણ અને મનસુખ માંડવિયા જેવા વરિષ્ઠ નેતાઓ પણ તેમના હોદ્દા જાળવી રાખે તેવી શક્યતા છે.
શિવસેનાના પ્રતાપરાવ જાધવ, ભાજપના સીઆર પાટીલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાવ ઈન્દ્રજીત સિંહ, નિત્યાનંદ રાય, ભગીરથ ચૌધરી અને હર્ષ મલ્હોત્રાને પણ સામેલ કરવામાં આવી શકે છે. આ સિવાય બીજેપીના જિતિન પ્રસાદ અને રક્ષા ખડસે પણ નવી સરકારમાં સામેલ થવાની આશા છે. સર્બાનંદ સોનોવાલ અને કિરેન રિજિજુ પણ શપથ લેશે. જ્યારે ચિરાગ પાસવાન, સતીષ દૂબે, એચડી કુમારસ્વામી, અનુપ્રિયા પટેલ, જયંત ચૌધરી અને જીતન રામ માંઝીને મંત્રી પદ મળવાની સંભાવના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ ગૃહ પ્રધાન, રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન અને એસ જયશંકર વિદેશ પ્રધાન, અશ્વિની વૈષ્ણવ રેલવે પ્રધાન અને નીતિન ગડકરી પરિવહન પ્રધાન જ રહેશે. જલ શક્તિ મંત્રી અને લોકસભા સ્પીકર પણ ભાજપમાંથી રહી શકે છે. ટીડીપીને શહેરી વિકાસ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય મળી શકે છે. જેડીયુને ઉર્જા વિભાગ, ગ્રામીણ વિકાસ મંત્રાલય મળી શકે છે.
TDP અને JDUમાંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ સિવાય એનસીપી, એલજેપી અને જેડીએસના ક્વોટાના કેબિનેટ મંત્રીઓ શપથ લઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.
કોનું કોનું પત્તુ કપાયું
નવી મોદી કેબિનેટ 3.0માં જે ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેમાં અનેક મોટા નેતાઓના નામ પણ શામેલ છે. અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઈરાની જેવી દિગ્ગજ હસ્તીઓને આ વખતે પીએમ મોદીની નવી કેબિનેટમાં સ્થાન નહીં મળે. ઉપરાંત સાધ્વી નિરંજન જ્યોતિ, મીનાક્ષી લેખી, અજય ભટ્ટ, જનરલ વીકે સિંહ, રાજકુમાર રંજન સિંહ, અર્જુન મુંડા, આરકે સિંહ, રાજીવ, નિશીથ પ્રામાણિક, અજય મિશ્રા ટેની, સુભાષ સરકાર, જોન બાર્લા, ભારતી પંવાર, રાવસાહેબ દાનવે, કપિલ પાટીલ, નારાયણ રાણે, ભાગવત કરાડ, અશ્વિની ચૌબે, સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુરને પણ નવી કેબિનેટમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.