સુરત : આગામી 29મી તારીખે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી સુરત (Surat) આવી રહ્યાં છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે તેમની જાહેરસભા છે. તેમજ 3900 કરોડના પ્રોજેકટના (Project) ખાતમૃર્હુત અને લોકાપર્ણ પણ થનાર છે. આ કાર્યક્રમ માટે સુરત મનપા દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવાઇ છે. દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમને વધુમાં વધુ ભવ્ય બનાવી વિધાનસભાની ચૂંટણી પ્રચારનો ટેમ્પો જમાવી દેવા ભાજપના નેતાઓ પણ આતુર હોય, હેલિપેડથી સભાસ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો પણ યોજાવાનો છે. જેમાં 20 જગ્યાએ સ્ટેજ ગોઠવી જુદા જુદા સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્વાગતનું આયોજન પણ કરાયું છે.
વડાપ્રધાન લિંબાયતમાં મર્હષી આસ્તિક સ્કુલના ગ્રાઉન્ડ ખાતે બનાવાયેલા હેલિપેડ પર ઉતરાણ કરશે. ત્યાથી મિડલ રિંગ રોડ પર થઇને સભાસ્થળ સુધી જશે આ રસ્તા પર રોડ શોનું આયોજન કરાયું છે. તેમજ ઠેક ઠેકાણે સ્ટેજ ઉભા કરી મોદીનું સ્વાગત કરાશે. ઉપરાંત મનપા દ્વારા મહત્વના પ્રોજેકટના કટ આઉટ બનાવી રસ્તા પર ગોઠવવામાં આવશે અને વડાપ્રધાનના ધ્યાન પર મનપાના વિકાસના કામો દેખાય તેવું આયોજન કરાશે.
30મી તારીખે વડાપ્રધાનના હસ્તે આવાસ યોજનાના સાડા ત્રણ હજાર આવાસોનો વર્ચ્યુઅલ ડ્રો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી તારીખે સુરતમાં લિંબાયતમાં જાહેર સભા અને 3900 કરોડના પ્રોજેકટના લોકાપર્ણ-ખાતમૃહુર્ત કરશે જયારે 30મી તારીખે અંબાજી ખાતે મોદીનો કાર્યક્રમ છે, ત્યાંથી આખા રાજયના આવાસ યોજનાના ડ્રો થવાનો હોય, સુરત મનપાની પ્રધાનમંત્રી આવાસના 4000 જેટલા આવાસોનો પણ ડ્રો આ દિવસે થશે, આ કાર્યક્રમ પણ લિંબાયતમાં નીલગીરી ખાતે જ યોજાશે તેમજ મનપા દ્વારા અહીં 10 હજાર જેટલા લાભાર્થીઓને ત્યા લઇ જવા માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે.