Gujarat

આપણા સંતોએ સમગ્ર વિશ્વને જોડવા વસુધૈવ કુટુંમ્બકમ શાશ્વતભાવને મજબૂત કર્યો છે : નરેન્દ્ર મોદી

ગાંધીનગર : આપણી હજારો વર્ષની મહાન સંત પરંપરાના દર્શન પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં થઈ રહ્યાં છે. આપણી સંત પરંપરા આચાર, વિચારો કે આધ્યાત્મિક જ્ઞાન ફેલાવવા પૂરતી સીમિત નથી, પરંતુ આપણા સંતોએ સમગ્ર વિશ્વને જોડવા વસુધૈવ કુટુંમ્બકમ શાશ્વત ભાવને મજબૂત કર્યો છે. મેં નાનપણમાં પ્રમુખસ્વામી મહારાજને દૂરથી જોયા હતા, ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, મને તેમની નજીક જવાનો મોકો મળશે. પરંતુ 1991માં હું પહેલીવાર તેમને રૂબરૂ મળ્યો હતો. અમારી આ મુલાકાતમાં તેમની સાથે થયેલી વાતચીત- સંવાદના એક એક શબ્દ મારા હૃદય પર આજે પણ અંકિત છે. તેમનો એક જ સંદેશો હતો કે, અંતિમ શ્વાસ સુધી સેવા કાર્યમાં રહેવું. તેવું આજે અમદાવાદમાં એસપી રિંગ રોડ ઉપર આંગણાજ નજીક યોજાયેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

અમદાવાદ એસપી રિંગ રોડ ઉપર આંગણા જ નજીક ૬૦૦ એકરની ભૂમિમાં બીએપીએસ સંસ્થા દ્વારા ભવ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે સંતો, મહંતો અને લાખોની જનમેદની વચ્ચે શાસ્ત્રોક વિધિ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજ નગરને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ સાધુ સંતો ઉપસ્થિત રહ્યાં હતાં. આ મહોત્સવ 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાશે.

આ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે આ ભવ્ય આયોજનની જે કલ્પના કરવામાં આવી, અને આ કલ્પનાને ચરિતાર્થ કરવામાં આવી છે, તે તમામ સંતના ચરણમાં હું વંદન કરું છું, અને હૃદયથી શુભેચ્છા પાઠવું છું. પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી જ આટલું મોટું ભવ્ય આયોજન થયું છે. જે આવનાર પેઢી માટે પણ પ્રેરણાદાયક બની રહેશે. આપણી મહાન સંત પરંપરાઓ પ્રમુખસ્વામી જેવા મહાન સંતોએ આગળ વધારી છે, આ તમામ સંત પરંપરાઓના દર્શન અહીં થઈ રહ્યા છે.

ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવના પ્રેરણામૂર્તિ મહંતસ્વામી મહારાજ અને નરેન્દ્ર મોદી પ્રમુખસ્વામી નગરના મુખ્ય કલાત્મક અને ભવ્ય પ્રવેશદ્વાર – ‘સંત દ્વાર’ પાસે પધાર્યા હતાં. વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે મહંતસ્વામી મહારાજ અને નરેન્દ્ર મોદીએ સૂત્ર છોડીને વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ પ્રધાનમંત્રી અને મહંત સ્વામી મહારાજ, મહાનુભાવો નગરમાં પ્રવેશ કરી મુખ્યપથ પર પધાર્યા હતા ત્યારે પથની બંને બાજુ બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા સૌનું સ્વાગત કર્યું હતું. સૌનું સ્વાગત ઝીલતાં વડાપ્રધાન નગરના કેન્દ્ર સમાન ‘પ્રમુખ વંદના સ્થળ’ પર પહોંચ્યા હતાં, જ્યાં ૧૫ ફૂટની પીઠિકા પર વિરાજિત પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટ ઊંચી નયનરમ્ય, દિવ્ય પ્રતિમા પર નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાને દિલ્લી અક્ષરધામની પ્રતિકૃતિ એવા ૬૭ ફૂટ ઊંચા મંદિર પાસે પધાર્યા હતા. મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન સ્વામિનારાયણ અને સંતપરંપરા તથા મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન સીતા- રામ- હનુમાનજી, રાધા-કૃષ્ણ, શિવ પાર્વતી વગેરે સ્વરૂપોને વંદન કરી પ્રદક્ષિણા કરી હતી. નગરમાં ગ્લો ગાર્ડન અને બાલનગરી, સભા મંડપની મુલાકાત લીધી હતી.

Most Popular

To Top