National

દિલ્હી: PM મોદીએ કર્યું નેતાજીની પ્રતિમાનું અનાવરણ, લોકાપર્ણ બાદ રાજપથ બન્યું કર્તવ્યપથ

નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન (Opening) કર્યું હતું. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે (Traffic Police) ઈન્ડિયા ગેટના તમામ 10 રૂટ સાંજે 6 થી 9 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર ચૌહાણ, પીએમ ઇકોનોમિક કાઉન્સિલના સભ્ય કે સંજીવ સાન્યાલ સહિત ઘણા લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ભાજપે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં લખવામાં આવ્યું છે કે રાજપથ નહીં હવેથી કર્તવ્યપથ. ગુલામીના પ્રતીકોને નવા ભારતમાં કોઈ સ્થાન નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કર્તવ્ય પથ’નું ઉદ્ઘાટન કર્યા બાદ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના રસ્તા પર સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સંસ્થાનવાદનું પ્રતીક ‘કિંગ્સવે’ એક ઈતિહાસ બની ગયો છે અને હંમેશા માટે ભૂંસાઈ ગયો છે. પીએમએ કહ્યું કે કર્તવ્ય પથના રૂપમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હું દેશના તમામ લોકોને ગુલામીના વધુ એક પ્રતીક પર વિજય મેળવવા માટે અભિનંદન આપું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગ્રેનાઈટ પથ્થર પર કોતરેલી આ પ્રતિમાનું વજન 65 મેટ્રિક ટન છે. જણાવી દઈએ કે એક દિવસ પહેલા, નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) એ રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રાજપથ એ રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો રસ્તો છે જેની લંબાઈ 3.20 કિમી છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે રાજપથ એટલે કે આજથી નવા નામથી જાણીતા કર્તવ્ય પથ પર જ પરેડ થાય છે. પરાક્રમ દિવસ પર 23 જાન્યુઆરીએ નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ બંને બાંધકામ કામો સેન્ટ્રલ વિસ્ટા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ભાગ છે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં અમે ઘણા એવા નિર્ણયો લીધા છે જેમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની છાપ હતી. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ‘અખંડ ભારત’ના તેઓ પ્રથમ વડા હતા. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે આજે ઈન્ડિયા ગેટ પાસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. બ્રિટિશ શાસન દરમિયાન અહીં અંગ્રેજોના પ્રતિનિધિની પ્રતિમા ઊભી હતી. નેતાજીની પ્રતિમાના સ્થાપન સાથે અમે મજબૂત ભારત માટે નવો માર્ગ નક્કી કર્યો છે.

સુભાષચંદ્ર બોઝની પ્રતિમાના અનાવરણ બાદ પીએમ મોદી શ્રમજીવીઓને મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે તેઓ સેન્ટ્રલ વિસ્ટાના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા તમામ લોકોને 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસની પરેડ માટે આમંત્રિત કરશે. ત્યારબાદ તેમણે નવા સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આપણે ભારતના કલ્યાણ અને વિકાસ માટે પ્રતિબદ્ધ રહેવું પડશે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે આ એક નવી શરૂઆત છે. સંસ્થાનવાદી માનસિકતાનો અંત લાવવો પડશે.

સેન્ટ્રલ વિસ્ટા એવન્યુમાં પાંચ પ્રોજેક્ટ પર કામ થવાનું છે તેમાંથી ચાર પર કામ શરૂ
સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પ્રોજેક્ટ પાછળ કુલ 608 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. 21 જુલાઈ 2022 ના રોજ લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. આ હિસાબે અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ પર 477.28 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સમગ્ર પ્રોજેક્ટની વાત કરીએ તો જે પાંચ પ્રોજેક્ટ પર કામ થવાનું છે તેમાંથી ચાર પર કામ શરૂ થઈ ગયું છે. આ ચાર પર કેટલો ખર્ચ થશે તેની માહિતી પણ સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવી હતી. સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ સિવાય નવા સંસદ ભવન પર રૂ. 971 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ઉપરાષ્ટ્રપતિના મહેલ પર 208.48 કરોડ રૂપિયા અને કેન્દ્રીય સચિવાલય પર 3,690 કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો પાસેથી 13,450 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે.

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા બાદ રાજપથ બન્યો કર્તવ્યપથ
આઝાદી પહેલા રાજપથ રાજાના માર્ગ તરીકે અને જનપથને રાણીના માર્ગ તરીકે ઓળખવામાં આવતો હતો. આઝાદી પછી ક્વીન્સ વેનું નામ બદલીને જનપથ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજાનો માર્ગ રાજપથ તરીકે ઓળખાયો. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા બાદ હવે તેનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર માને છે કે રાજપથ રાજાના વિચારને પ્રતિબિંબિત કરે છે જે શાસિત લોકો પર શાસન કરે છે. જ્યારે લોકશાહી ભારતમાં પ્રજા સર્વોચ્ચ છે. નામ પરિવર્તન સામૂહિક પ્રભુત્વ અને તેના સશક્તિકરણનું ઉદાહરણ છે.

Most Popular

To Top