નવી દિલ્હી: છેલ્લાં બે દિવસથી દિલ્હીમાં (Delhi) સંસદ ભવનમાં કોંગ્રેસ (Congress) તેમજ ભાજપ (BJP) વચ્ચે બોલાચાલીનું રાજકીય ધમાસણ યુદ્ધ ચાલી રહ્યું છે. આજરોજ જયારે પીએમ સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણના પ્રસ્તાવનો આભાર વ્યકત કરી રહ્યાં હતા તે સમયે વિપક્ષે રાજયસભામાં હંગામો કર્યો હતો. ગુરુવારના રોજ પીએમ મોદીના ભાષણ શરૂ થતાં પહેલા જ વિપક્ષે તેઓની સામે નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. થોડાં સમય પછી જયારે વિપક્ષે નારા લગાવવાનું બંધ કર્યું ત્યારે પીએમે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. પીએમ મોદીએ વિપક્ષને સાધતા પોતાના ભાષણમાં કહ્યું હતું કે તેમની પાસે કીચડ છે તો મારી પાસે કમળ છે. તેમણે કહ્યું કે કેટલાય લોકોના શબ્દો માત્ર સંસદને નહિં સમગ્ર દેશવાસીઓને નિરાશ કરે છે. વઘારામાં તેઓએ કહ્યું કે સારુ છે જેટલું કીચડ ઉછળશે તેટલું કમળ વધુ ખિલશે. આ કમળને ખિલવવા માટે તમે જે યોગદાન આપ્યું છે તે માટે હું તમારા સૌનો આભાર માનું છું.
વિપક્ષના નારા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે અમે સામાજિક ન્યાય, બે ટાઈમની રોટલી જેવી સમસ્યાઓ હલ કરી છે, તમે તેને હલ કરી નથી. સ્વતંત્ર ભારતના સપનાને સાકાર કરવા અમે સંકલ્પબદ્ધ છીએ. વિપક્ષને સંબોધતા પીએમ મોદીએ છાતી ઠોકીને કહ્યું કે દેશ જોઈ રહ્યો છે કે એક જ વ્યક્તિ અનેક પર ભારે પડી રહ્યો છે. સૂત્રોચ્ચાર કરવા માટે પણ તેમને લોકોની જરૂર છે.
પીએમએ કહ્યું કે આજે યુવા વિરોધી નીતિ ધરાવતા લોકોને નકારી રહ્યા છે. સરકારી યોજનાઓમાં નામો અંગે વાંધો ઉઠાવવા પર મોદીએ કહ્યું કે મેં કેટલાક અખબારમાં વાંચ્યું છે કે 600 સરકારી યોજનાઓ ગાંધી-નેહરુ પરિવારના નામ પર છે. નેહરુનું નામ ન લેવાય તો તેમના વાળ ખરી પડે છે. તમે તેનું નામ કેમ ન આપ્યું? મને એ સમજાતું નથી કે તેમની પેઢીના કોઈ પણ વ્યક્તિ નેહરુ અટક રાખવામાં શરમ કેમ આવે છે.
મોદીએ કહ્યું કે કોંગ્રેસના કાર્યકાળમાં કોઈ પણ સમસ્યાનું સમાધાન આવ્યું નથી. 6 દશકના કોંગ્રેસના કાર્યકાળે સમગ્ર દેશને બર્બાદ કરી દીધો છે. પીએમએ પોતાના ભાષણમાં ઉમેર્યું કે આજથી પહેલા જે સરકાર હતી તેઓના કાર્યકાળમાં માત્ર 3 કરોડ ઘરોમાં નલ સે જલ યોજનાનો લાભ મળ્યો હતો. જ્યારે અમારી સરકારમાં માત્ર ત્રણ વર્ષમાં જ 11 કરોડ લોકોને નલ સે જલ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર ભારતમાં લોકોને આ લાભ મળે તે દિશામાં પણ અમારી સરકાર કામ કરી રહી છે. આ ઉપરાંત અમારી સરકારના કાર્યકાળમાં જે લોકો બેંક સુધી નથી પહોંચી શકયા તે લોકો સુધી બેંક પહોંચી છે. પાછળના 9 વર્ષમાં 48 કરોડ જનધન યોજના હેઠળ બેંકમાં ખાતા ખોલવામાં આવ્યાં છે. જેમાથી 32 કરોડ બેંક ખાતા ગ્રામીણ ક્ષેત્રે ખોલવામાં આવ્યાં છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત ડિજિટલ વિશ્વમાં અગ્રેસર બન્યો છે. એક સમય હતો જ્યારે આપણે મોબાઈલ આયાત કરતા હતા, આજે મારો દેશ મોબાઈલની નિકાસ કરી રહ્યો છે. દેશ ખૂબ જ ઝડપી ગતિએ દરેક ટેક્નોલોજીને અપનાવી રહ્યો છે અને તેનો વિસ્તાર કરી રહ્યો છે. આ ઉપરાંત અમે પોલિસી બદલી છે જેના માટે દવાઓ પહોંચાડવાનું કામ ડ્રોન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, દેશને આધુનિક બનાવવો પડશે, નવા સંકલ્પો વિશે વિચારવું હશે તો વિજ્ઞાન અને ટેક્નોલોજીને નકારી શકાય નહીં. અમે ટુકડાઓમાં વિચારતા નથી. અમે તમામ દિશામાં કામ કરી રહ્યા છીએ. અમે અવકાશના ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીનું સપનું પૂરું કર્યું. મને ખુશી છે કે દેશના યુવાનો ખાનગી સેટેલાઇટ લોન્ચ કરવાનું સપનું જુએ છે, તે ગર્વની વાત છે. અમે યુનિકોર્નની દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ગયા છીએ.
પ્રધાનમંત્રીએ કહ્યું, આજે ગર્વની વાત છે કે મારા દેશની એક દીકરી ભારત માતાની રક્ષા માટે સિયાચીનમાં તૈનાત છે. અમે દીકરીઓ માટે સૈનિક શાળાઓ ખોલી.