ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી સપ્ટે.થી ઓકટો.ના બે સપ્તાહ દરમ્યાન ગુજરાતમાં (Gujarat) એક ડઝન સભાઓને સંબોધન કરે તેવી તૈયારીઓ ચાલી રહી છે. તેમાંયે ખાસ કરીને ૧૧મી ઓકટો.ના જો જામકંડોરણામાં પીએમ મોદીની સભામાં કોંગ્રેસના (Congress) ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જાય તેવી સંભાવના છે, એટલ કે વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થાય તે પહેલા જ કોંગ્રેસને રાજકિય ઝટકો મળે તેવી સંભાવના રહેલી છે.
જામકંડોરણાની સભામાં ચાર કોંગી ધારાસભ્યોને આવકારવા તખ્તો ઘડાઈ રહ્યો છે, તેના માટે તૈયારીઓ ચાલી રહી છે. આ ચાર ધારાસભ્યો હાલમાં તો એવું રટણ કરી રહ્યા છે, અમે તો કોંગ્રેસમાં છીયે અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાના છીયે. જો કે અંદરખાને ચિત્ર કાંઈક જુદુ જ છે. પીએમ નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગુજરાતમાં ૧૨ જેટલી સભાઓને સંબોધન સાથે કાર્પેટ બોમ્બિંગ કરે તેવી સંભાવના છે. ભાજપના આંતરીક વર્તુળોના કહેવા મુજબ પીએમ મોદી આગામી તા.૨૯ અને ૩૦મી સપ્ટે. તથા ૯, ૧૦, ૧૧ ઓકટો. દરમ્યાન સુરત, ભાવનગર, અંબાજી, જામનગર, ભરુચ, મોડાસા અને રાજકોટના જામકંડોરણા ખાતે સભાને સંબોધન કરશે.
અમારા વિશે જે વાતો થાય છે તે માત્ર રાજકિય અફવાઓ છે: કોંગ્રેસના ધારાસભ્યો
કોંગ્રેસના ચાર ધારાસભ્યો પૈકી ઉપલેટા ધોરાજીના લલિત વસોયા, વિસાવદરના હર્ષદ રિબડિયા, રાજુલાના અંબરિષ ડેર તથા જામકંડોરણાના ચિરાગ કાલરિયાની આમ તો કોંગ્રેસમાં ટિકીટ નક્કી જ છે. નવરાત્રી દરમ્યાન કોંગ્રેસની પહેલી યાદી જાહેર થઈ જશે. આ ચારેય કોંગી ધારાસભ્યો કહે છે કે અમે કોંગ્રેસ સાથે છીયે. અમારા વિશે જે વાતો થાય છે તે માત્ર રાજકિય અફવાઓ છે. બીજી તરફ ભાજપના આંતરીક વર્તુળો કહે છે કે જામકંડોણાની સભામાં ચાર કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જાય તેવો તખ્તો ઘડાઈ રહ્યો છે.