ગાંધીનગર: ધૂળેટીના (Dhuleti) તહેવારે અમદાવાદ (Ahmedabad) આવી પહોંચેલા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બેનીઝે ગાંધીનગરમાં (Gandhinagar) રાજભવન ખાતે રંગેચંગે હોળીનો ઉત્સવ મનાવ્યો હતો. તેમણે પ્રાકૃતિક રંગો તથા પૂલોથી રંગોત્સવ મનાવ્યો હતો. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો એટલું જ નહીં તેમણે જાતે જ પોતાના મોબાઈલ ફોનમાં ફોટોગ્રાફી પણ કરી હતી.
ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતે દ્વારા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બેનીઝના સન્માનમા રંગોત્સવ આયોજન કર્યુ હતું. ઓસ્ટ્રેલિયાના પીએમનું રાજભવન ખાતે આગમન થયુ ત્યારે તેમનું ગુલાલથી તિલક કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા રાજયપાલ આચાર્ય દેવવ્રત દ્નારા તેમનું સ્વાગત કરાયુ હતુ. ત્યારે બાદ ઓસટ્રિલાયના પીએમ ફૂલોથી તથા તથા પ્રાકૃતિક રંગોથી હોળી રમ્યા હતા.આચાર્ય દેવવ્રતે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝ સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે, ભારતમાં વર્ષમાં લગભગ દરેક મહિનામાં તહેવારોની ઉજવણી થાય છે. લોકો ઉલ્લાસપૂર્વક તહેવારો ઉજવે છે, જેનાથી પરસ્પર પ્રેમ, સ્નેહ અને સૌહાર્દ વધે છે. હોળીને ‘નવ ષષ્ટી’નું પર્વ પણ કહેવાય છે, આ મોસમમાં ખેડૂતોના ઘરમાં નવા અન્નનું આગમન થાય છે. ભારતનો ખેડૂત આ મોસમમાં વધુ પ્રસન્ન હોય છે.
રાજભવન ખાતે સાસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.જેમાં ખાસ કરીને રંગોત્સવ અંતર્ગત હોળીના ભાતીગળ રંગારંગ લોકનૃત્યોની પ્રસ્તુતિ પણ ઓસ્ટ્રેલિયાના પીએમ સહિતના મહાનુભાવોએ માણી હતી. ગુજરાતના કવાંટ પ્રદેશના ‘રાઠવા હોળી ઘેર નૃત્ય’થી હોળીનૃત્યોનો આરંભ થયો હતો. રાજસ્થાનના ગૈર હોળી નૃત્ય, ઘૂમ્મર અને ચંગની પ્રસ્તુતિ થઈ હતી. ત્યારબાદ ગુજરાતનો કૃષ્ણ-ગોપી રાસ રજૂ થયો હતો અને છેલ્લે ઉત્તર પ્રદેશના ‘બરસાના કી હોલી’ નું લઠ્ઠમાર નૃત્ય પ્રસ્તુત થયું હતું.