Columns

PM મોદીએ કહ્યુંવીણી વીણીને મારશું…

ઇઝરાયલની ખુફિયા એજન્સી મોસાદની જેમ….

ભારતમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકવાદી હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે બિહારના મધુબનીમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ રેલીમાં તેમણે પહેલગામમાં માર્યા ગયેલાં લોકોને શ્રદ્ધાંજલિ આપી અને પછી કહ્યું – ‘‘હું દુનિયાને કહેવા માગું છું, ભારત દરેક આતંકવાદી અને તેમને ટેકો આપનારાઓને ઓળખશે. અમે તેઓનો ધરતીના છેડા સુધી પીછો કરીશું. તેઓએ કલ્પના પણ નહીં કરી હોય એવી સજા આપશું.’’ આ નિવેદન બહાર આવતાંની સાથે જ સુરક્ષા એજન્સીઓ સમક્ષ એક ઘટના ચમકી. એ ઘટના જેનો પાયો 1972માં નખાયો હતો. ઇઝરાયલે 20 વર્ષ સુધી તેનાં નાગરિકોના હત્યારાઓને શોધ્યાં હતા અને સ્વધામે પહોંચાડ્યા હતા. ત્યારે ઇઝરાયલે પણ એવું કહ્યું હતું – અમે અમારાં નાગરિકોના હત્યારાઓને દુનિયાના કોઈપણ છેડે હશે શોધી-શોધીને મારશું.
આ વાત 1970માં શરૂ થઈ હતી. સપ્ટેમ્બર મહિનામાં જોર્ડનના રાજા હુસૈન અને પેલેસ્ટાઇન લિબરેશન આર્મી (PLO) વચ્ચે સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષમાં ઘણા પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓએ જીવ ગુમાવ્યા હતા અને જોર્ડનના રાજાએ પોતાના દેશમાં લશ્કરી શાસન લાદ્યું હતું. આ સંઘર્ષથી ભાંગી પડેલા પેલેસ્ટાઇનના આતંકવાદીઓએ એક નવું જૂથ બનાવ્યું હતું. તેનું નામ હતું – બ્લેક સપ્ટેમ્બર ઓર્ગેનાઇઝેશન (BSO) એવું કહેવાય છે કે આ એક સીક્રેટ સંગઠન હતું, જેમાં કામ કરવા માટે ફક્ત થોડા લોકોને જ પસંદ કરવામાં આવ્યા હતા. આ સંગઠનનના ફક્ત બે દુશ્મનો હતા – જોર્ડન અને ઇઝરાયલ.
5 સપ્ટેમ્બર 1972. સવારે 4 વાગ્યે. મ્યુનિકના ઓલિમ્પિક વિલેજમાં જ્યાં ઇઝરાયલી ખેલાડીઓ રોકાયા હતા તે ફ્લેટની બહાર હંગામો થયો હતો. પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ બ્લેક સપ્ટેમ્બરના આતંકવાદીઓ આ ફ્લેટમાં ઘૂસી ચૂક્યા હતા.
સવારે 4 વાગ્યે. હુમલાખોરોએ કોરિડોર ખોલ્યો હતો, જેના દ્વારા ઇઝરાયલી ખેલાડીઓના રૂમ સુધી તેમની પાસે પહેલેથી જ રહેલી માસ્ટર ચાવીથી પહોંચી શકાય તેમ હતું. હુમલાખોરો આગળ વધતાની સાથે જ તેઓ ત્યાં હાજર ઇઝરાયલી ખેલાડીઓ સાથે ઝપાઝપીમાં ઉતર્યા હતા. આ પછી બ્લેક સપ્ટેમ્બરના હુમલાખોરોએ બે રમતવીરોને સ્થળ પર જ પતાવી દીધા હતા અને 9 ઇઝરાયલીઓ અને કેટલાક કોચને બંધક બનાવી લીધા હતા. પેલેસ્ટિનિયન ઉગ્રવાદીઓ બંધકોને શહેરના એક એરપોર્ટ પર લઈ ગયા હતા.
થોડીવારમાં સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા. હુમલાખોરોની માગણી હતી કે – જો ઇઝરાયલ તેના નાગરિકોને જીવતા પાછા ઇચ્છે છે, તો તેણે પહેલા ઇઝરાયલમાં કેદ 200 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પડશે. યજમાન દેશ જર્મની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. તેના ચાન્સેલર વિલી બ્રાન્ડટે ઇઝરાયલના વડાં પ્રધાન ગોલ્ડા મીરને ફોન કરીને બંધક સંકટ વિશે માહિતી આપી હતી. ગોલ્ડા ઇઝરાયલનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન હતા. તેણીએ કહ્યું – ઇઝરાયલ આતંકવાદીઓની માગણીઓ સ્વીકારતું નથી. ભલે ગમે તે કિંમત ચૂકવવી પડે.
આ વાતચીત ચાલી રહી હતી ત્યારે જર્મન સુરક્ષા દળોએ એરપોર્ટ પર રેસ્ક્યૂ ઓપરેશનનો પ્રયાસ કર્યો હતો. ઇઝરાયલમાં દરેક વ્યક્તિ આ ઘટનામાં શું થયું એ જાણવા માગતી હતી. પહેલા સમાચાર આવ્યા કે ખેલાડીઓને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ પાછળથી ખબર પડી કે ઉગ્રવાદીઓએ તમામ 9 ખેલાડીઓને પતાવી દીધા છે. આ સાથે એક જર્મન અધિકારીનું પણ મોત થયું હતું. આ કામગીરીમાં જર્મન અધિકારીઓએ 5 ઉગ્રવાદીઓને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્રણને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમના નામ હતા – અદનાન અલ ગાશે, જમાલ-અલ ગાશે અને મોહમ્મદ સફાદી.
ઇઝરાયલે જર્મની પાસેથી ત્રણ ઉગ્રવાદીઓને સોંપવાની માગ કરી હતી. આ માટેની તૈયારીઓ જર્મનીમાં શરૂ થઈ હતી, પરંતુ તે દરમિયાન બીજી ઘટના બની. ઓક્ટોબર 1972. લુફ્થાન્સાની ફ્લાઇટ 615 સીરિયાથી જર્મની આવી રહી હતી. બે પેલેસ્ટિનિયન ઉગ્રવાદીઓએ આ ફ્લાઇટને હાઇજેક કરી હતી. અને બ્લેક સપ્ટેમ્બરમાં પકડાયેલા ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવાની માગ કરી હતી. જર્મની સંમત થયું અને પોતાના નાગરિકોને બચાવના બદલામાં હુમલાખોરોને મુક્ત કરવામાં આવ્યા હતા. પછી તેઓ લિબિયા ગયા હતા, જ્યાં સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીએ ત્રણેયનું સન્માન કર્યું હતું.ઇઝરાયલી PM ગોલ્ડા મીરે તરત જ ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બ્લેક સપ્ટેમ્બરની એક એક વ્યક્તિને શોધીને મારી નાખવામાં આવશે. તેઓ દુનિયાના કોઈપણ ખૂણે કેમ ન છુપાયા હોય. આ ઓપરેશનને પાર પાડવા માટે એક ગુપ્તચર સમિતિની રચના કરવામાં આવી – સમિતિ એક્સ.

-દીપક આશર
આ સમિતિએ પહેલા એક યાદી બનાવી હતી. તેમાં એવા લોકોના નામ હતા જેમને નોકરી પર રાખવાના હતા. અને કામ એવી રીતે કરવાનું હતું કે તેમાં ઇઝરાયલનું નામ કોઈપણ રીતે આવે નહીં. આનું કારણ એ હતું કે આ લોકો ફક્ત એક જ દેશમાં નહોતા. તેઓ અલગ અલગ સ્થળોએ ફેલાયેલા હતા. અડધા વિશ્વમાં ફરતા રહેવાનું આ ઓપરેશન હતું. આવી સ્થિતિમાં ફક્ત એક જ એજન્સી હતી, જે આ કાર્ય કરી શકતી હતી. એજન્સીનું નામ હતું – મોસાદ. મોસાદના અધિકારીઓને બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. અધિકારીઓ સંમત થયા. આ ઓપરેશનને નામ મળ્યું – Wrath of God, મતલબ કે, ભગવાનનો ક્રોધ. મોસાદ દ્વારા રચાયેલી ટીમનું નેતૃત્વ ઇઝરાયલના પ્રખ્યાત જાસૂસ માઇક હરારી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ ઓપરેશન માટે 5 ટીમો બનાવી હતી.
1 – અલિફ – આ ટીમમાં બે તાલીમ પામેલા હત્યારા હતા.
2 – બેટ – બે એજન્ટો, જેઓ ટીમના બાકીના સભ્યો માટે નકલી ઓળખ ગોઠવતા હતા.
3 – હેટ – બે એજન્ટો, જેમનું કામ હોટલ, કાર વગેરેની વ્યવસ્થા કરવાનું હતું.
4 – આયન – 6 એજન્ટો, જેમનું કામ લક્ષ્યોને ઓળખવાનું અને ટીમ માટે ભાગી જવાના રસ્તાઓ તૈયાર કરવાનું હતું.
5 – કોફ – 2 એજન્ટો, જેઓ વાતચીત સંભાળતા હતા.
16 ઓક્ટોબર 1972. આ દિવસે Wrath of Godનો રોમથી આરંભ થયો હતો. રોમના એક એપાર્ટમેન્ટમાં ગોળીઓ ચલાવવામાં આવી રહી હતી. જ્યારે અવાજ ઓછો થયો, ત્યારે વેલ ઝ્વેટ્ટાર નામના વ્યક્તિનો ગોળીથી વીંધાયેલો મૃતદેહ એપાર્ટમેન્ટની અંદર પડ્યો હતો. ઝ્વેઇટર પેલેસ્ટિનિયન અનુવાદક હતો અને પેલેસ્ટિનિયન નેતા યાસર અરાફાતનો પિતરાઈ ભાઈ હતો. ઇઝરાયલ માટે તે બ્લેક સપ્ટેમ્બરનો નેતા હતો. બે અજાણ્યા હુમલાખોરોએ તેમના શરીરમાં 11 ગોળીઓ ધરબી દીધી હતી. આગળ મહમૂદ હમશારી હતા. તેઓ ફ્રાન્સમાં પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (PLO)ના પ્રતિનિધિ હતા અને ઇઝરાયલ માનતું હતું કે તેઓ ફ્રાન્સમાં બ્લેક સપ્ટેમ્બરના નેતા હતા. 8 ડિસેમ્બર, 1972 – તેમના ડેસ્ક નીચે વિસ્ફોટ થતાં મહમૂદ હમશારી ઘાયલ થયા હતા. થોડા અઠવાડિયા પછી તેમનું મૃત્યુ થયું હતું. પછી 6 એપ્રિલ, 1973નો દિવસ આવ્યો. પેરિસની એક શેરીમાં બેસિલ અલ-કુબૈસી નામના એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લેબનીઝ અખબારોએ અહેવાલ આપ્યો કે કુબૈસી પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઇનના સભ્ય અને એક અમેરિકન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ઇઝરાયલે કહ્યું કે તેઓ બ્લેક સપ્ટેમ્બરના નેતા હતા. મધ્ય પૂર્વ અને યુરોપના દેશોમાં એક પછી એક મૃતદેહો પડવા લાગ્યા હતા. લોકો સમજી ગયા કે આ મોસાદનું કામ છે, પરંતુ કોઈ તેમને સીધો દોષી ઠેરવી શકે એવા પુરાવા નોહતા. કેટલીક જગ્યાએ વિગતો મળી હતી કે ઇઝરાયલે અખબારોમાં શોક સંદેશાઓ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. આ જોઈને સમજી શકાતું હતું કે તેમનું આગામી લક્ષ્ય કોણ છે. આ મોસાદનો વધતો આત્મવિશ્વાસ હતો. તેના એજન્ટોએ તેમના લક્ષ્યોને ગુલદસ્તા મોકલવાનું શરૂ કર્યું હતું. ગુલદસ્તામાં એક નોંધ હતી – અમે ભૂલતા નથી અને માફ કરતા નથી. બ્લેક સપ્ટેમ્બર અને PLO સાથે સંકળાયેલા લોકો સતત થતી હત્યાઓથી ડરી ગયા હતા. આવી સ્થિતિમાં PLOના ત્રણ નેતાઓ – મોહમ્મદ યુસુફ અલ-નજ્જર, કમાલ અદવાન અને કમાલ નાસિરે બેરૂતમાં એક ઘરની અંદર પોતાને બંધ કરી દીધા હતા. મોસાદે તેમને મારવા માટે એક નવું ઓપરેશન શરૂ કર્યું – ઓપરેશન સ્પ્રિંગ ઓફ યુથ. આ ઓપરેશન માટે ઇઝરાયેલી નૌકાદળ અને વાયુસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલી સ્પેશિયલ ફોર્સ કમાન્ડો સ્પીડ બોટ દ્વારા લેબનોન પહોંચ્યા હતા. અહીં તે મોસાદ એજન્ટોને મળ્યા હતા. એક અધિકારીએ મહિલાનો વેશ ધારણ કર્યો હતો. તેઓ રાતોરાત ઇમારતમાં પ્રવેશ્યા અને ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારીને પાછા ફર્યા હતા.
મોસાદે નોર્વેમાં એક માણસની હત્યા કરી, એવું માનીને કે તે તેમનો લક્ષ્ય છે. અલી હસન સલામેહ. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે મોસાદ દ્વારા માર્યો ગયેલો માણસ એક સામાન્ય રેસ્ટોરન્ટ વેઈટર હતો, તેમનો લક્ષ્ય નહોતો. મોસાદના કેટલાક એજન્ટોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઇઝરાયલનું રહસ્ય ખુલી ગયું હતું. અસલી અલી હસન સલામેહ આગામી ઘણા વર્ષો સુધી છુપાયેલો રહ્યો હતો. અંતે, જાન્યુઆરી 1979માં મોસાદે તેની કારમાં બોમ્બ મૂક્યો અને તેને ઉડાવી દીધો હતો.બદનામ થયા છતાં ઇઝરાયલ અટક્યું નહીં. મોસાદના એજન્ટોએ તેમનું કામ ચાલુ રાખ્યું હતું. બ્લેક સપ્ટેમ્બરના લોકોની હત્યા ચાલુ રહી હતી. ક્યારેક કોઈને ગોળીથી માર્યું, ક્યારેક બોમ્બ વિસ્ફોટથી. આ ક્રમમાં મોસાદે મ્યુનિક ઓલિમ્પિકના ત્રણ હુમલાખોરોમાંથી બેને મારી નાખવાનો દાવો કર્યો હતો. કયા બે? અદનાન અલ ગાશે અને મોહમ્મદ સફાદી. જોકે, આ દાવાને પડકારવામાં આવ્યો હતો. કેટલાકે કહ્યું કે બંને મૃત્યુ પામ્યા છે, મોસાદનો તેમાં કોઈ રોલ નથી. અને કેટલાકે કહ્યું – બંને જીવંત અને સ્વસ્થ છે. ત્રીજો બાકી રહેલો હુમલાખોર જમાલ અલ ગાશે આફ્રિકન દેશ ટ્યુનિશિયામાં છુપાઈ ગયો હતો. તેમને છેલ્લે 1999માં રિલીઝ થયેલી કેવિન મેકડોનાલ્ડની ડોક્યુમેન્ટરી ‘વન ડે ઇન સપ્ટેમ્બર’માં જોવા મળ્યા હતા. આમાં ગાશે પોતાનો ચહેરો છુપાવીને આવ્યા હતા, અને કહ્યું હતું કે – મને મ્યુનિકમાં મેં જે કર્યું તેના પર ગર્વ હતો. કારણ કે તેનાથી પેલેસ્ટિનિયન ચળવળને ઘણી મદદ મળી હતી.

Most Popular

To Top