થોડા દિવસ પહેલા એક બેન્કનાં અધિકારીને તેમેની ઓફિસમાં ચાલુ બેન્કે બહારના તત્વોએ ઢોર માર મારી જીવલેણ હુમલો કર્યો. ત્યાર બાદ અમદાવાદની એક બેન્કમાં ડેપ્યુટી જનરલ મેનેજરે આ બે સ્ત્રી અધિકારીઓને તેમની કેબિનની બહાર ઉભા રહેવાની સજા કરી, આ પદાધિકારીને સંતોષ ન થતા તેઓ બહાર બેન્કીગ હોલમાં આવ્યા અને અન્ય તમામ હાજર કર્મચારીઓને તાળીઓ પાડવાનો હુકમ કર્યો પણ કર્મચારીઓએ હિંમત દાખવી તેમની સુચનાનો અનાદર કર્યો એટલે આ મહાશયે તે બે સ્ત્રી અધિકારીઓને જ તાળી પાડવા કહ્યું. અને તેઓને ધમકીઓ પણ અપાઈ. આપણા શહેરની એક બેન્કમાં તેની એક શાખાનાં સ્ત્રી કર્મચારી જે કેશનું કામ કરે તેને હેરાનગતિ કરવાનો બહારના આવેલા અધિકારીએ નવો કિમિયો શોધ્યો હતો.
તે મહાશય આ બહેનની કેશ સમયસર ટેલી થાય છતાં ચેક કરવા છેક મોડી સાંજે જ આવે. પરિણામે સંગઠને જ્યારે સીધા પગલાની વાત કરી ત્યારે વાત હાલમાં તો ઠેકાણે પડી ગઈ છે. આ બધા બનાવોનું તટસ્થ રીતે વિશ્લેષણ કરવામાં આવે તો પાયાના કારણમાં બે લાગે છે. ૧. દરેક રાષ્ટ્રીયકૃત બેન્કની શાખામાં કામના પ્રમાણમાં તો નહિ જ પણ તેના ૫૦% પણ સ્ટાફ નથી અને કોઈ સરકારી ખાતામાં નહિ પણ આ બેન્કોમાં ગ્રાહકોની ફરિયાદો વધુ આવે તે સહજ હોવાથી પદાધિકારીઓ કર્મચારીઓ પર સુરા થાય છે, કારણ તેમનાથી ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓને તો લખાતું નથી.
સુરત – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
