ત્રણેય ઋતુની સરખામણી કરીએ તો શિયાળો સૌથી વધુ મજાનો હોય છે. આપણે ત્યાં દિવાળી પછી ઠંડીની અનુભૂતિ શરૂ થઈ જાય છે, જે મધ્ય ફેબ્રુઆરી સુધી અનુભવાય છે. શિયાળો એટલે શરીરને મજબૂત અને તંદુરસ્ત રાખવાની ઋતુ. શિયાળામાં મળતાં શાકભાજીનો ટેસ્ટ પણ મજાનો હોય છે અને તેમાં પણ સુરતી જીવ હોય તો તો પૂછવું જ શું? લોહીવર્ધક આંબા હળદર,વિટામિનયુક્ત ગાજર,આમળાં,પોષક રતાળુ,શાકમાં રાજા કહેવાય એવાં રીંગણ,કોથમીર, લસણ,પાલક ભાજી , મેથી ભાજી,તાંદળજો ભાજી,લીલું લસણ,લીલો કાંદો,લીલી તુવેર મળે એટલે કચોરી બનાવવાની ને ખાવાની મજા.વિભિન્ન પ્રકારના વસાણાં, જેમકે મેથી પાક ,અડદિયા પાક, સાલમ પાક.
નવી મગફળીનું તેલ,ચોખા અને ગોળ ભરવાની સિઝન. લીલી જુવારનો પોંક, રીંગણનો ઓળો,બાજરીના રોટલા,કોથમીર, લસણની ચટણી,ગોળ ઘી,ઊંધિયું . ટેસડો પડી જાય. સુરતી જીવને ખાવાની મજા સાથે ઠંડી ઠંડી સવારમાં કસરત કરવાની તો કોઈકને ધાબળો ઓઢી સૂઇ જવાની મજા પડે. આમ આહ્લાદક શિયાળાની ઋતુની રોનક જ કંઇ નોખી હોય છે. આભાર આ પ્રકૃતિ ‘મા ‘ અને ધરતી’મા’ નો જે આ જીવ સૃષ્ટિ માટે વિવિધ કુદરતી નજરાણાની ભેટ આપી અવિરત કૃપા વરસાવતી રહે છે.
સુરત – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
માનવસહજ કાર્ય
જે વ્યકિત સાથે તમે હો તેની વાત એવી રીતે સાંભળવી કે તેને ખાતરી થાય કે તે પોતાની વાત બરાબર સમજાવી શકયા છે. તે રીતે સાંભળી શકવાની માનવતા બીજી ભાગ્યે જ કોઇ હશે. આ એક એવું અનોખું માનવસહજ કાર્ય છે જે એમ લાગે છે કે આપણે કદી કરતાં જ નથી. ધ્યાનપૂર્વક સાંભળવાથી એક બીજાને વધુ સારી રીતે સમજી શકાય અને આ દુનિયા વધુ સારી જગ્યા બની જાય. સાંભળતી વખતે તમારું શરીર જ નહીં તમારું મન પણ ત્યાં હોવું જોઇએ. સાંભળવું તે એક ઇશ્વરીય દેન કરતાં એક વિકસાવી શકાય તેવી નિપુણતા વધારે છે.
વિજલપોર – ડાહ્યાભાઇ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.