આસો નવરાત્રિની શરુઆત થઈ ચૂકી છે. આ તહેવાર માત્ર માતાની આરાધના કરવાનો હોય છે. નવ નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે તો દીવામાં બળતું ઘી અને પ્રસાદની એક થાળી એ સિવાય કોઇ જ ખર્ચ થતો નથી. પરંતુ જ્યારથી નવરાત્રિનું વ્યાપારીકરણ થયું છે ત્યારથી આ નવલી નવરાત્રિ એટલી હદે ખર્ચાળ થઇ ગઇ છે કે, એક ખેલૈયા એક નવરાત્રિમાં જેટલો ખર્ચ કરે છે તેટલા રૂપિયામાં તો મધ્યમવર્ગના પરિવારના ચાર મહિનાનો સંપૂર્ણ ખર્ચ નીકળી જાય છે.
એક સામાન્ય પરિવારનો ખર્ચ જોઇએ તો ઇલેક્ટ્રિસિટી, મોબાઇલનું બિલ, દાળ, તેલ, ચોખા, દૂધ, અનાજ, ઘી અને શાકભાજી પૂરતો સિમિત હોય છે. આ ઉપરાંત બાળકોની સ્કૂલ, ટ્યુશન અને ઓટો રિક્ષાની ફીનો ખર્ચનો ઉમેરો કરીએ તો પણ 25 હજાર રૂપિયાના બજેટમાં મધ્મમ વર્ગનું ઘર ચાલી જતું હોય છે. જો કોઇ માંદગી કે પ્રસંગ આવે તો પણ ઉછીના લેવા પડે છે. પરંતુ હાલમાં નવરાત્રિમાં ભક્તિના નામે આર્થિક શક્તિનું જે વરવું પ્રદર્શન થઇ રહ્યું છે. તે જોતા તો કદાચ માતાજી પણ વિચારતા થઇ જતાં હશે.
નવરાત્રિ માત્ર અનુષ્ઠાનનો તહેવાર છે. જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ-નવ દિવસ સુધી માતાજીની આરાધના કરે છે તે જ સાચી ભક્તિ છે. આવી ભક્તિથી જ માતાજી પ્રસન્ન થાય છે અને આશિર્વાદ પણ આપે છે. તેવી જ રીતે જુદા જુદા ગામ અને શેરી મહોલ્લામાં માતાજીના ગરબા ગાવાની પરંપરા છે તે હજુ કેટલાંક સ્થાને યથાવત રહી છે તો કેટલાક મહોલ્લામાં ગરબાનું સ્થાન લાઉડ સ્પીકરે લઇ લીધું છે. પહેલા સ્ત્રીઓ અને યુવતીઓ ગૃહકામ વહેલું પતાવીને સ્નાન કરીને ગરબા રમવા જતી હતી. એક તાળી, બે તાળી, ત્રણ તાળી અને ચાર તાળીના ગરબા ગવાતા હતાં.
પરંતુ હાલમાં જે રીતે ગરબાનું વ્યાપારિકરણ થઇ ગયું છે તે હિન્દુ ધર્મની આસ્થા પર આંચ સમાન છે. જ્યારે કોઇ પણ માતાજીની ભક્તિ કરવા મંદિરમાં જાય કે ગરબામાં જોડાઇ તેનો પહેલો નિયમ છે કે આ પ્રકારની ભક્તિ કરતી વખતે પગમાં જોડા ચપ્પલ નહીં હોવા જોઇએ પણ અત્યારે કોઇ ડોમમાં કે પ્લોટ પર જાવ તો કોઇ સ્થળે ચપ્પલ જોડા કાઢવાનું સ્ટેન્ડ નથી હોતું તેનો સીધો અર્થ છે કે અહીં ખેલૈયાઓ ચપ્પલ બુટ પહેરીને જ ગરબે ઘૂમે છે.
જે માતાજીનું ખરેખર અપમાન છે. અને ખર્ચની વાત કરીએ તો એટલો અધધ ખર્ચ કરવામાં આવે છે કે જાણે આ તહેવાર એક ઇન્ડસ્ટ્રી બની ગઇ છે. એક ખેલૈયાની વાત કરીએ તો તેનો એક સિઝન પાસ એટલે કે દસ દિવસના પાસનો ખર્ચ 10થી 15 હજાર રૂપિયા થઇ જાય છે. આ ખર્ચ સામાન્ય કેટેગરીનો છે. વીઆઇપી કેટેગરીના દોઢાથી બમણા રૂપિયા ચૂકવવા પડે છે. મેકઅપનું બજેટ પણ રોજનું 2 થી 5 હજાર જેટલું હોય છે અને રોજે રોજના ડ્રેસનો ખર્ચ પણ 50 હજારને આંબી જાય છે. આમ એક ખેલૈયા નવરાત્રિમાં એક લાખ રૂપિયાથી ચાર લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી નાંખે છે. પોતાની કમાણીના રૂપિયા ખેલૈયાએ જ્યાં ઉડાવવા હોય ત્યાં ઉડાવે પરંતુ હિન્દુ ધર્મની આસ્થાના નામે તાગડધિન્ના બંધ થવા જોઇએ.
ગુજરાતના ગરબા સમગ્ર દુનિયામાં ફેમસ છે પરંતુ આજની તારીખમાં વડોદરાએ આ પરંપરા જાળવી રાખી છે. અહીં ગરબા રમતી વખતે બૂટ કે ચપ્પલમાં જો કોઇ દેખાઇ જાય તો તેને તરત જ બહાર કાઢી નાંખવામાં આવે છે. કફની અને દુપટ્ટા વગર કોઇને ગરબા રમવા દેવામાં આવતા નથી. આ અહીંના આયોજકોની આસ્થા દર્શાવે છે. જ્યારે કેટલાક શહેરમાં આયોજકોએ આસ્થાના આ તહેવારને આવકનું સાધન બનાવી દીધું છે. આસ્થાના નામે આટલો મોટો ખર્ચ કરનારા ખરેખર તો ગરબા પણ હિન્દી ગીતોના તાલે ઘૂમે છે. જે ભક્તિના નામે ચાલી રહેલી શરમજનક બાબત કહીએ તો પણ એક આનો ખોટું નથી.