ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન ભારતની ટીમ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. ભારતના દિગ્ગજ ક્રિકેટર પદ્મકર શિવાલકરનું નિધન થયું છે. આ કારણોસર ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં કાળી પટ્ટી બાંધીને પ્રવેશ્યા હતા. આમ કરીને ભારતીય ખેલાડીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
શિવાલકરનો ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ
પદ્મકર શિવાલકરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ મેચ રમી નથી. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન પ્રશંસનીય હતું. તેમણે 1961-62 અને 1987-88 વચ્ચે કુલ 124 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 589 વિકેટ લીધી. આ સમયગાળા દરમિયાન તેમણે 42 વખત 5 વિકેટ અને 13 વખત 10 વિકેટ લેવાની મહાન સિદ્ધિ હાંસલ કરી હતી.
દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે શિવાલકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ ખરેખર ખૂબ જ દુઃખદ સમાચાર છે. ટૂંકા ગાળામાં મુંબઈ ક્રિકેટે તેના બે દિગ્ગજ ખેલાડીઓ મિલિંદ અને હવે પદ્મકરને ગુમાવ્યા છે જેઓ ઘણી જીતના શિલ્પી હતા.
