નવી દિલ્હી (NewDelhi): આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC ODI World Cup 2023) આડે હવે વધુ સમય બાકી રહ્યો નથી. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ભારતમાં (India) વર્લ્ડ કપ રમાશે. એવું પહેલીવાર બનશે જ્યારે ભારત સ્વતંત્ર રીતે એકલું જ વર્લ્ડ કપની આખીય ટુર્નામેન્ટની યજમાની કરશે. આ અગાઉ 1987, 1996 અને 2011માં વર્લ્ડ કપની ભારતે સંયુક્ત યજમાની કરી હતી.
ઓક્ટોબરમાં રમાનાર વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પર કરોડો ચાહકોની નજર રહેશે. છેલ્લાં 12 વર્ષથી ભારતીય ટીમ ((IndianCricketTeam) વર્લ્ડ કપ જીતવાના પ્રયાસ કરી રહી છે. આ મેગા ઈવેન્ટ શરૂ થાય તે પહેલાં ચાહકોના મનમાં અનેક પ્રશ્નો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિશ્વ કપમાં ભારતીય ટીમમાં ચોથા ક્રમ પર કોણ બેટિંગ કરશે.
શ્રૈયસ અય્યર (ShreyasAyyer) ચોથા નંબર પર રમે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે, પરંતુ અય્યરની ફિટનેસ અંગે હજુ કશું જ સ્પષ્ટ નથી. જો અય્યર ફીટ નહીં થાય તો તેના સ્થાને કોણ ચોથા નંબર પર રમશે તે મુંઝવનારો પ્રશ્ન છે.
હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ (RaviShashtri) 4 નંબરની પોઝિશન માટે નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, એશિયા કપ (AsiaCup) અને વન ડે વર્લ્ડ કપમાં વિરોટ કોહલી (ViratKohli) ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. શાસ્ત્રીએ ત્યાં સુધી કહ્યું કે, પાછલા બંને વર્લ્ડ કપમાં કોહલીને ચોથા નંબર પર રમાડવા અંગે વિચાર કરાયો હતો.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટ કોહલી ટીમના હિતમાં ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. હું હેડ કોચ હતો ત્યારે મેં કોહલીને ચોથા નંબર પર રમાડવા અંગે અનેકોવાર વિચાર કર્યો હતો. પાછલા બંને વર્લ્ડ કપમાં પણ મેં આ વિચાર કર્યો હતો. તે બાબતે ચર્ચા પણ થઈ હતી. વિરાટ ચોથા નંબર પર રમી વિરોધી ટીમની મજબૂત બોલિંગ લાઈનને ધ્વસ્ત કરી શકે છે.
શાસ્ત્રીએ કહ્યું કે, જો ભારતીય ટીમની શરૂઆતની બે-ત્રણ વિકેટ ઝડપથી પડી જાય છે તો મેચ હાથમાંથી નીકળી જાય છે. નંબર 4 પર વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે.
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, ઓપનિંગ માટે મારી ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર ડાબોડી બેટ્સમેન ઈશાન કિશન છે. ઈશાનને ટીમમાં રમાડવા માટે રોહિત શર્મા, વિરાટ અને શુભમન ગિલે બેટિંગ પોઝિશનમાં ફેરફાર કરવો જોઈએ.