સુરત: ઉધના રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટના કામ હેઠળ 600 મીટર લાંબા પ્લેટફોર્મ નંબર-6નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મુંબઈ ડિવિઝન ડીઆરએમએ પૂર્વ બાજુએ બની રહેલા પ્લેટફોર્મ ઉપર પેસેન્જર સુવિધાઓ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. તેમજ સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ-4 તૈયાર છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો જ નહીં હોવાથી તે શરૂ કરવામાં આવ્યું નથી.
- સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 4 સુધી જવા માટે રસ્તો નહિ હોવાથી શોભાના ગાંઠિયા સમાન
હાલમાં ઉત્તર ભારત તરફથી મોટી સંખ્યામાં ટ્રેનો આવી રહી છે. જેથી ફરી રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભીડ જામે છે. એટલે રેલવે તંત્રએ કોન્ટ્રાક્ટરને સ્ટેશન રિડેવલપમેન્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 1, 2, 3, 4 અને 5 કાર્યરત છે. આ ઉપરાંત ઉધના સ્ટેશનની પૂર્વમાં પ્લેટફોર્મ-6 પણ બનાવવામાં આવી રહ્યું છે. આ પ્લેટફોર્મ રેલવે કોલોનીની નજીક છે અને પૂર્વ તરફથી આવતા મુસાફરોને પ્લેટફોર્મ-6 સુધી પહોંચવામાં સરળતા રહેશે.
મુંબઈ ડિવિઝનના ડીઆરએમ નીરજ વર્માએ દિવાળીની રજાઓ દરમિયાન ઉધના સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, પ્લેટફોર્મ-6ની લંબાઈ 600 મીટરથી વધુ છે. પ્લેટફોર્મની કિનારે ફેન્સીંગ અને બેરિકેડ લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે લાઇટિંગ અને કોચ ઇન્ડિકેટર પણ લગાવવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, પાણીની પરબ, પે એન્ડ યુઝ અને અન્ય કામો સહિત મુસાફરોની સુવિધાઓ સંબંધિત તમામ કામો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ પછી, ઉધના ખાતે પ્લેટફોર્મ-6ને કાર્યરત કરવા માટે સલામતી નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ જ પ્લેટફોર્મ-6 શરૂ કરવામાં આવશે.
પ્લેટફોર્મ-6 પર ખાલી ટ્રેન પાર્ક કરીને ગેપનો સ્ટોક લેવામાં આવ્યો
ઉધના રેલવે સ્ટેશનના અગાઉના વિસ્તારમાં નવુ રેલવે સ્ટેશન આકાર લઇ રહ્યું છે. આ સાથે જ આ બિલ્ડિંગને જોડીને નવું પ્લેટફોર્મ નંબર-6 પણ બનાવવામાં આવી રહ્યું છે. મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરે પ્લેટફોર્મ-6 પર એક ટ્રેન ખાલી કરી હતી. રેક ઉભા કરીને ટ્રેન પ્લેટફોર્મ અને ગેપ વચ્ચેનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉધના સ્ટેશનને 213 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. હાલમાં ઉધના રેલવે સ્ટેશનની પૂર્વ બાજુની સંપૂર્ણ નવી ડિઝાઇન કરવામાં આવી છે.
બિલ્ડિંગનો મુખ્ય ભાગ પૂર્ણ થઈ ગયો છે. શનિવારે મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર નીરજ વર્મા સુરત આવ્યા હતા. તેમણે તેમના મુંબઈ વિભાગના અન્ય અધિકારીઓ સાથે ઉધના સ્ટેશનની મુલાકાત લીધી હતી.
સુરત રેલવેના પ્લેટફોર્મ 2 અને 3 પર કામ શરૂ કરવા માટે બેઠકનો દોર શરૂ
સુરત રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કામ વચ્ચે કોન્સર્સ ફાઉન્ડેશનના કામ માટે 10 જૂન 2024થી માર્ચ 2025 સુધી પ્લેટફોર્મ-4 બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થતાં મુસાફરોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. અહીં કોચના સૂચકાંકો, મુસાફરોને બેસવા માટે નાના શેડ, પાણીની પરબ, લાઇટિંગ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.
પ્લેટફોર્મ-4 સુધી પહોંચવા માટે પૂર્વ વિસ્તારમાં હાલમાં રસ્તા અને પાર્કિંગની સુવિધા નથી. જેના કારણે તૈયાર હોવા છતાં પ્લેટફોર્મ-4 હજુ શરૂ થયું નથી. બીજી બાજુ, પ્લેટફોર્મ 2 અને 3 પર રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે RLDA અને પશ્ચિમ રેલવેના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.