સુરત: સુરતના નવા રેલવે સ્ટેશન (મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ)ને તૈયાર કરવાની ચાલી રહેલી કામગીરીમાં છેલ્લાં 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ નંબર 4ને હવે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે પ્લેટફોર્મ નંબર 2 અને 3ને 98 દિવસ માટે બંધ કરવામાં આવશે. આ સાથે જ મોટાભાગની ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશને શિફ્ટ કરવામાં આવશે.
- સુરતના નવા રેલવે સ્ટેશનની કામગીરી માટે 98 દિવસ પ્લેટફોર્મ નં.2-3 બંધ કરાશે
- આ MMTHમાં જે કોન્કોર્સ બનવાનું છે તે તમામ પ્લેટફોર્મ પર ફેલાયેલું હોવાથી એક પછી એક પ્લેટફોર્મ બંધ કરાઈ રહ્યા છે
- પ્લેટફોર્મ નં.2-3 પર આવતી ટ્રેનને પ્લેટફોર્મ નં.4 પર શિફ્ટ કરાશે, મોટાભાગની ટ્રેનને ઉધના શિફ્ટ કરાશે
સુરતના મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનો વિસ્તાર 12325 ચો.મી. હશે અને 2000 પેસેન્જર એકસાથે બેસી શકશે. આ કોન્કોર્સ તમામ પ્લેટફોર્મ પર ફેલાયેલો હોવાને કારણે એક પછી એક પ્લેટફોર્મ પર તેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધી આ કામગીરી પ્લેટફોર્મ નંબર 4 પર કરવામાં આવી રહી હતી.
આ કારણે પ્લેટફોર્મ નંબર 4 છેલ્લા 4 માસથી બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ હવે પ્લેટફોર્મ પરનું કામ પુરૂં થઈ જતાં તેને ખોલવામાં આવ્યું છે અને પ્લેટફોર્મ નંબર 2 અને 3 98 દિવસ માટે બંધ રહેશે. કેટલીક ટ્રેનો જે પ્લેટફોર્મ 2 અને 3 નો ઉપયોગ કરે છે તેને પ્લેટફોર્મ નંબર 4 પર શિફ્ટ કરવામાં આવશે. જ્યારે મોટાભાગની ટ્રેનો આ સમય માટે ઉધના શિફ્ટ કરવામાં આવશે.
MMTH રોજ 6.25 લાખ મુસાફરોને હેન્ડલ કરશે
સુરત MMTH જ્યાં હાલમાં સુરત રેલવે સ્ટેશન અને GSRTC બસ સ્ટેશન આવેલું છે ત્યાં વિકસાવવાની દરખાસ્ત છે. રેલ્વે સ્ટેશન પર દરરોજ 2.5 લાખથી વધુ મુસાફરો (ઉપનગરીય અને લાંબા-અંતરનું સંયુક્ત) આવે છે.ભવિષ્યમાં, MMTH 6.25 લાખ મુસાફરોને હેન્ડલ કરશે તેવી અપેક્ષા છે.
સુરત MMTH એ એક અનોખો અને પાથ-બ્રેકિંગ પ્રોજેક્ટ છે જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ એક બીજા સાથે જોડાયેલી સ્વતંત્ર સુવિધાઓને બદલે એક સંકલિત MMTH વિકસાવવા માટે એકસાથે આવી છે. આ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરો માટે ટકાઉ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ સિદ્ધાંતોની ગતિશીલતાને સુધારવામાં મદદ કરશે. MMTH (સુરત) ના ઝોનિંગ પ્લાન/માસ્ટર પ્લાન માટે કુલ 285,716 ચો.મી. (70.6 એકર) વિસ્તાર લેવામાં આવ્યો છે, જેમાં પશ્ચિમ રેલવે, GSRTC અને SMC દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
શું શું હશે સુરતના મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ એટલે કે નવા રેલવે સ્ટેશનમાં
- ગ્રીન બિલ્ડીંગ પ્રમાણપત્ર – IGBC પ્લેટિનમ રેટિંગ
-દિવ્યાંગ મૈત્રીપૂર્ણ સુવિધાઓ - સ્માર્ટ સ્ટેશન- SCADA અને BMS સિસ્ટમ
- છત પર સોલાર પેનલ્સ
- વરસાદી પાણીનો સંગ્રહ, વેસ્ટ-વોટર/સ્ટ્રોમ-વોટરનો પુનઃઉપયોગ
- સ્થળ પર યોગ્ય વિભાજન સાથે ઘન કચરાનું વ્યવસ્થાપન
- ઇમરજન્સી પાવર બેકઅપ સહિત અગ્નિશામક વ્યવસ્થા