બેઇજિંગ (Beijing): આપણે ત્યાં હંમેશા એવુ કહેવાય છે કે કુદરત આગળ કોઇનું ચાલતુ નથી. છેલ્લા દાયકાઓમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી લીધી છે. માણસ ચંદ્ર પછી મંગળ પર પણ પહોંચી ગયો છે, એટલું જ નહીં અહીં વસાહતો ઊભી કરવાની પણ વાત ચાલી રહી છે. મેડિકલ ક્ષેત્રે પણ માનવે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સિદ્ધિઓથી વધુ લોકોનો જીવ બચે અને તેમની ગંભીર બીમારીઓમાંથી ઉગારી શકાય એ સમયે તો સારો જ છે. પણ જ્યારે માનવ આ એડવાન્સમેન્ટના આધારે કુદરતની વિરુદ્ધ જવાનો પ્રયાસ કરે ત્યારે તેને પરિણામો ભોગવવા પડે છે.
ગાઓ લિયુ (Gao Liu) નામની ચાઇનીઝ અભિનેત્રી ઘણા લાંબા સમય સુધી ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન દેખાતા તેના ચાહકોએ તેની રેગહાજરી નોંધી તે વિશે સવાલો કર્યા. આ સવાલોનો વેગ બંધ ન થતા આખરે અભિનેત્રીએ પોતાનું મૌન તોડ્યુ અને તેણે કેટલીક તસવીરો શેર કરીને જે જોઇને તેના ચાહકો અચંબિત રહી ગયા. હકીકતમાં ગાઓ લિયુ થોડા સમય પહેલા ઑક્ટોબરમાં દક્ષિણના શહેર ગ્વાંગઝૌમાં તેના મિત્ર દ્વારા પ્લાસ્ટિક સર્જનને મળી હતી. આ પ્લાસ્ટિક સર્જને તેને નાકની પ્લાસ્ટિક સર્જરી (plastic surgery) કરવાનું સૂચવ્યુ હતુ. વધુ ફિલ્મો મેળવવાની લાલચે ગાઓ લિયુ આ સર્જરી માટે માની ગઇ અને સર્જરી કરાવવાની હા પાડી.
જો કે તેને પાછળથી ખબર પડી કે જે હોસ્પિટલમાં તેણે સર્જરી કરાવી તે હોસ્પિટલના ડૉક્ટરો નાકની પ્લાસ્ટિક સર્જરી કરવા સક્ષમ નહોતા. પણ ત્યાં સુધી મોડું થઇ ચૂક્યુ હતુ. અભિનેત્રીએ જે હેતુથી પ્લાસ્ટિક સર્જરી કરાવી તેનાથી સાવ વિપરીત થયુ. તેને સર્જરી પછી નાક પર સતત ઇન્ફેક્શન થતુ અને તેની સાથે તેના નાકની ચામડી કાળી પડી ગઇ. આ આખી ઘટના પછી તેણે સોશિયલ મિડીયા પર આવવાનું બંધ કરી દીધું.
આ સર્જરી પછી તેના હાથમાંથી બે ફિલ્મો ચાલી ગઇ, જેના કારણે તેને 4 લાખ યુઆન એટલે કે 45 લાખ ભારતીય રૂપિયાનું નુકસાન થયુ છે. આટલું જ નહીં આ સર્જરી પછી તેણે કેટલીક ફિલ્મોનો કરાર રદ કરવો પડશે. અને આમ કરવા બદલ તેણે ફિલ્મ નિર્માતાઓને 20 મિલિયન યુઆનનું વળતર ચૂકવવું પડશે. પોતાના આ કડવા અનુભવ બાદ તેણે આખી ઘટના અંગે સોશિયલ મિડીયા પર ખુલાસો કર્યો હતો. અને પોતાના ચાહકોને સંદેશ આપ્યો હતો કે આવી કોઇ સર્જરી કરાવતા પહેલા તે લોકો સાવચેત રહે.