Dakshin Gujarat

પાણી પુરવઠા વિભાગના ક્લોરીનેશન પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીકેજ થતા તંત્ર દોડતું થયું, 50 લોકોને શ્વાસમાં તકલીફ

નવસારી: ગણદેવીના પોંસરી ગામે પાણી પુરવઠા વિભાગના ક્લોરીનેશન પ્લાન્ટમાં (Chlorination plant) અચાનક ગેસ લીકેજની ઘટના બની હતી. જે ગેસ લીકેજના કારણે ગામના આશરે 50 લોકોને શ્વાસમાં, આંખ, નાકમાં બળતરા અને ખાંસી જેવી આંશિક અસર વર્તાતા ફાયર વિભાગ, મામલતદાર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. જોકે ગેસના બાટલાને (Gas bottle) પાણીમાં નાંખી ગેસ લીકેજની સમસ્યાને (Problem) દુર કરવામાં આવી હતી. જ્યારે કેટલાક લોકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં (Hospital) ખસેડ્યા હતા. ગણદેવી તાલુકાના પોંસરા ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાણી ક્લોરીનેશનનો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. જે પ્લાન્ટમાં ક્લોરીનેશન ગેસ દ્વારા આશરે 6 લાખ લીટર પાણી ક્લોરીન કરવામાં આવતું હતું. જે પાણી પોંસરી અને ધોલાઈ ગામમાં આપવામાં આવતું હતું. ત્યારે પોંસરી પાણી ક્લોરીનેશન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના બની હતી

શુક્રવારે સવારે પાણી ક્લોરીનેશન પ્લાન્ટ પાસેથી પસાર થતા કેટલાક લોકોને ગેસ લીકેજની દુર્ગંધ આવી રહી હતી. જેથી તેમને ક્લોરીનેશન પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને કહેતા તેમણે પ્લાન્ટમાં તપાસ કરી હતી. જેમાં એક ક્લોરીન ગેસના બાટલામાંથી લીકેજ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે ગણદેવી ફાયર વિભાગને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને લીકેજ થતા ગેસના બાટલાને પાણી ભરેલા ખાડામાં નાંખી તેના ઉપર માટીનું પુરાણ કરી ગેસ લીકેજની સમસ્યા હલ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગણદેવી મામલતદાર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ ગેસ લીકેજની ઘટનાને પગલે ગામના 50 જેટલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જ્યારે કેટલાક લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ગેસ લીકેજ બાબતે તપાસ ચાલી રહી છે.

પરિસ્થિતિ કંટ્રોલમાં છે : પાણી પુરવઠા અધિકારી
નવસારી : પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, પોંસરા ગામે પાણી ક્લોરીનેશન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટનાને પગલે ફાયર વિભાગ અને અમે લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે ફાયર વિભાગે ગેસ લીકેજની સમસ્યા દુર કરી હતી. ગેસ લીકેજના કારણે 2 લોકોને અસર થઇ હતી. જેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. અમે તેમની મુલાકાત લીધી છે અને તેઓ હાલ સારા છે. ક્લોરીનેશન પ્લાન્ટની પરિસ્થિતિ કંટ્રોલમાં છે.

Most Popular

To Top