Charchapatra

વધુ વૃક્ષ વાવો

વરસાદની ઋતુ આરંભ થઈ ચૂકી છે. મેઘરાજાની સવારી આવી ચૂકી છે. એટલે દરેક વ્યક્તિ એક બે વૃક્ષ વાવે તો પર્યાવરણને જાળવી શકીએ. જેટલાં વધુ વૃક્ષ વાવીશું એટલું વધતા જતા પૃથ્વીના તાપમાનમાં ઘટાડો કરી રાહત અનુભવી શકીશું. પ્રદૂષણની માત્રા પણ ઘટાડી શકાય છે. જ્યાં જ્યાં રસ્તામાં વૃક્ષો હોય છે ત્યાં છાંયડાના લીધે ઓછી ગરમી લાગે છે. જે સૌએ અનુભવ્યું હશે. ચોમાસામાં વરસાદના લીધે વૃક્ષો રોપવા સહેલાં હોય છે અને વૃક્ષો સરળતાથી ઊગી જાય છે. આપણે આખા વર્ષ દરમિયાન ઘણાં ફળો ખાઈએ છીએ, એમાંથી નીકળતાં બીજ જો ભેગાં કરવામાં આવે તો એ જ બીજ જ્યારે આપણે કુદરતી સ્થળોએ ફરવા જઈએ ત્યારે એ બીજ ત્યાં નાંખવામાં આવે તો ચોમાસામાં એ બીજ ઊગી નીકળે છે. આ રીતે પણ વધુ વૃક્ષ વાવવાનો હેતુ સિદ્ધ થાય છે. માટે વધુ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો.
માંજલપુર વડોદરા       – જયંતીભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નહેરુ અને મોદીની તુલના યોગ્ય નથી
નહેરૂ  અને મોદીની કોઈ જ તુલના થઈ શકે તેમ નથી કારણકે 1947 માં દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ પોતાની જીદથી વડા પ્રધાન બનવાને પ્રથમ લાયક અને દાવેદાર હતા તે સરદાર વલ્લભભાઈ પટેલના ભોગે નેહરુને કાર્યવાહક વડા પ્રધાન બનાવ્યા  હતા. લોકસભાની ચૂંટણી 1951માં થઈ હતી. ત્યાર પછી જ નહેરૂ સત્તાવાર વડા પ્રધાન બન્યા હતા. જ્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પૂર્ણ બહુમતીથી બે વખત ચૂંટાયા અને ત્રીજી વખત હવે ગઠબંધન કરી સત્તા પર છે. આમાં નેહરુ મોદીની તુલનામાં ના પડતાં દેશ ચલાવવા તરફ જ ધ્યાન આપવું જરૂરી છે. જો ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અન્યાય ન કર્યો હોત અને સરદાર વલ્લભભાઈ પટેલને વડા પ્રધાન બનાવ્યા  હોત તો પછી નહેરૂના ભારતના વડા પ્રધાન બનવા પર પ્રશ્નાર્થ ચિહ્ન જ હોઈ શકે,  તુલના નહીં.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top