Columns

રાજ્યની વડી ગ્રાહક અદાલત સમક્ષ ફરિયાદ થયા બાદ વીમા કંપનીએ પૂરથી પ્લાન્ટ-મશીનરીને થયેલ નુકસાનના કલેમ પેટે રૂ. 42.58 લાખ ચૂકવી આપ્યા

ફેકટરીના પ્લાનટ- મશીનરીને પૂરથી થયેલ મોટા નુકસાન અંગેના કલેમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરનાર વીમા કંપનીએ, રાજયની વડી ગ્રાહક અદાલતમાં વીમા કંપની વિરુધ્ધ કેસ થયા બાદ કલેમ પેટે રૂ.42.58 લાખ વીમેદાર-પેઢીને ચૂકવી આપ્યા છે. મે.ઝાપર સિન્થેટિકસ ભાગીદારી પેઢી અને તેના ભાગીદાર પરેશભાઈ સાવલીયા (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત ધ ઓરીએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની (લાલગેટ,સૂરત)(સામાવાળા) વિરૂધ્ધ ગુજરાત સ્ટેટ કમિશન (રાજયની વડી અદાલત સમક્ષ) દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદી શહેર સૂરતના પાંડેસરા વિસ્તારમાં GIDC ની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફેકટરી ધરાવતા હતા અને ફેકટરીમાંના પ્લાન્ટ-મશીનરી વગેરેનો સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ પેરીલ્સ તરીકે ઓળખાતો વીમો સામાવાળા વીમા કંપની કનેથી રૂ. 1.25 કરોડનો લીધો હતો.

મજકૂર વીમો અમલમાં હતો તે દરમ્યાન તા. 23-24/09/2013ના અરસામાં શહેર સૂરત તેમ જ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી તેમ જ ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાતા તાપી નદીમાં પૂરની પરિસ્થિતિ ઉદભવેલી. શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓમાં પણ પાણી ઉભરાયેલા. મજકૂર પૂરની અસર પાંડેસરા વિસ્તારમાં થયેલ અને ફરિયાદીના પ્લાન્ટ-મશીનરીને ભારે નુકસાન થયેલ. જે અંગે સામાવાળા વીમા કંપની સમક્ષ કલેમ કરવામાં આવેલો. મજકૂર પૂરથી ફરિયાદીની ફેકટરીમાં પ્લાન્ટ-મશીનરીને થયેલ નુકસાનની આકારણી કરવા સામાવાળા વીમા કંપનીએ રાકેશ નારૂલ એન્ડ કંપનીની સર્વેયર તરીકે નિમણૂક કરેલી.

ફરિયાદીના પોતાના અંદાજ પ્રમાણે પ્લાન્ટ-મશીનરીને નેટ રૂ. 63.34 લાખનું નુકસાન થયેલું પરંતુ સર્વેયરે કરેલ આકારણીમાં મોટી રકમોની કાપકૂપ કરીને ફરિયાદીના પ્લાન્ટ-મશીનરીને થયેલ નુકસાનની આકારણી સર્વેયરે રૂ. 44.05 લાખની થયેલ હોવાનું ઠરાવેલું અને તે મુજબનો રીપોર્ટ સર્વેયરે વીમા કંપનીને આપી દીધેલો. | સર્વેયરના રીપોર્ટ મુજબ ફરિયાદીને રૂ. 44.05 લાખનો કલેમ ચૂકવણી પાત્ર હોવા છતાં સામાવાળા વીમા કંપનીએ ફરિયાદીને તે મુજબની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરીને ફરિયાદવાળા કલેમના કુલ એન્ડ ફાયનલ સેટલમેન્ટ તરીકે માત્ર રૂ. 21.42 લાખ એટલે કે સર્વેયરે ઠરાવેલ રકમ કરતાં પણ લગભગ 50% ઓછી રકમ આપવાની ઓફર કરેલી જેનો ફરિયાદીએ અસ્વીકાર કરેલો અને એડ્વોકેટ શ્રેયસ દેસાઈ મારફત ગુજરાત રાજયની વડી ગ્રાહક અદાલત (અમદાવાદ) સમક્ષ ફરિયાદ દાખલ કરેલી. મજકૂર કામમાં નામદાર સ્ટેટ કમિશન દ્વારા સામાવાળા વીમા કંપનીને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ.

ત્યાર બાદ, વીમા કંપનીએ ફરિયાદીના બેંક એકાઉન્ટમાં રૂ. 42.58 લાખ ચૂકવવાની તૈયારી બતાવેલી. પૂરથી થયેલ નુકસાનને લગભગ 4 વર્ષ વીતી ગયેલ હોવાથી અને ફરિયાદી ઘણી આર્થિક મુશ્કેલીઓ અને શારીરિક- માનસિક ત્રાસ અને હાડમારીની પરિસ્થિતિમાંથી પસાર થતાં હોવાથી ફરિયાદીને મજકૂર રૂ. 42.58 લાખ સ્વીકારવાની ફરજ પડેલી. જો કે ફરિયાદીએ વ્યાજ ખર્ચ વગેરે માટે કલેમ ઊભો રાખ્યો છે. આમ, ગ્રાહક અદાલતમાં ફરિયાદ કર્યા બાદ ફરિયાદીને પૂરથી થયેલ મોટા નુકસાન અંગેના ક્લેમ પેટે રૂ. 42.58 લાખનું પેમેન્ટ મળી શકયું છે. આ પ્રકારના કિસ્સાઓ થકી ગ્રાહક સુરક્ષા ધારાનો ગ્રાહકોને ન્યાય અપાવવાનો હેતુ સાર્થક થાય છે.

Most Popular

To Top