SURAT

ડુમસમાં દરિયા ગણેશના મંદિર પાસે સહેલાણીઓ માટે ચાલવા-બેસવાની વ્યવસ્થા કરવાનું પ્લાનિંગ

સુરત: સુરતવાસીઓ માટે મહત્વપુર્ણ એવો ડુમસ સી ફેઇસ પ્રોજેકટનું (DumasSeaFaceProject) ટેન્ડર શાસકો સમક્ષ મુકતા પહેલા સુરત મ્યુનિસિપલ કમિશનર (SMCCommissioner) શાલિની અગ્રવાલે (ShaliniAgrawal) ટાઉન પ્લાનિંગ (TownPlanning) વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર મનીષ ડોકટર અને અન્ય અધિકારીઓ સાથે ડુમસ સી ફેસના ડેવલપમેન્ટ માટેની જગ્યાઓ અને ડુમસ બીચનું (DumasBeach) 31 જુલાઈના રોજ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

ડુમસ સી ફેઈસ પ્રોજેક્ટ હેઠળ સાકારિત થનાર વોક-વે, ગાર્ડન એરિયા, સ્કલ્પચર, બીચ સ્પોર્ટ્સ જેવી સુવિધાઓના આયોજનની ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા -વિચારણા કરી હતી. ડુમસ બીચ ખાતે આવેલા દરિયા ગણેશના મંદિર પાસે ડુમસ સી ફેસ પ્રોજેક્ટ અંતર્ગત જાહેર જનતાને ચાલવા માટેની જગ્યાઓ તથા બેસવા માટેની સુવિધાઓના આયોજન બાબતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ ડુમસ સી ફેસના વિકાસ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગ અથવા પે એન્ડ યુઝ પાર્કનું આયોજન કરવા સબંધિત અધિકારીઓને સુચન કર્યું હતું.

ડુમસના વિકાસના પ્રથમ તબક્કામાં શું -શું બનશે

  • એરાઈવલ પ્લાઝા
  • લેન્ડસ્કેપિંગ
  • કિડ્ઝ પ્લે એરિયા
  • સાઈકલ ટ્રેક
  • વોક-વે
  • અર્બન બીચ
  • સ્પોર્ટસ એરિયા
  • મલ્ટીલેયર કાર પાર્કિંગ

આ સંદર્ભે વધુ વિગતો આપતા મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ડુમસ સી ફેઝ પ્રોજેક્ટની કામગીરી હવે ઝડપથી આગળ વધશે. તેમજ સીઆરઝેડ(કોસ્ટલ રેગ્યુલેશન ઝોન) નું ક્લિયરન્સ છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. તા. 4 ઓગસ્ટે સીઆરઝેડની બેઠક મળશે જેમાં બાકીની સાઈટનું પણ ક્લિયરન્સ મળી રહેશે. સાઈટ ક્લિયર થતા જ કામગીરી શરૂ કરી શકાશે.

ડુમસ સી ફેસ પ્રોજેક્ટ 107 હેક્ટરમાં સાકાર કરાશે
ડુમસ સી-ફેસ પ્રોજેકટ કુલ 107 હેક્ટર વિસ્તારમાં સાકાર કરવાનું આયોજન છે. જે ચાર તબક્કામાં આગળ વધશે. જોકે મનપા દ્વારા સતત પ્રયાસો છતાં આ પ્રોજેકટ પૈકી ઘણી જગ્યા સરકારી હોવાથી નકકર આયોજન થઇ શકતુ ન હતું પરંતુ હવે મનપા દ્વારા તબક્કાવાર જરૂરી જમીનોના કબજા લેવામાં આવી રહ્યાં છે.

મહાનગરપાલિકાને ટી.પી.સ્કીમ હેઠળ પ્રાપ્ત થનાર 12.27 હેક્ટર જમીન ઉપરાંત 66.72 હેકટર સરકારી અને ફોરેસ્ટ વિભાગની આશરે 23 હેકટર જમીન મળી કુલ અંદાજીત 107 હેકટર વિસ્તારમાં ઇકોટુરીઝમ પાર્ક સાકારીત થશે. આ જમીનો પૈકી હાલ મનપાના હિસ્સાની 12.27 હેકટર વાળી જમીન ડેવલપ કરવાનું આયોજન છે. તેમજ ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં કુલ 10.32 હેક્ટર જગ્યામાં વિવિધ એક્ટિવિટી ઝોનનું આયોજન થશે.

ડુમસ સી ફેઈઝ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે 137 કરોડના ટેન્ડર અંદાજ મુકાયા
ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે સૌથી મહત્વના તબક્કા તરીકે આ પ્રોજેક્ટના પ્રથમ ફેઇઝના વિકાસ માટેના ટેન્ડર મંગાવી લેવાયા છે જે અંતગર્ત મનપા દ્વારા કુલ રૂા. 137.72 કરોડના ખર્ચના અંદાજ મુકાયા હતા. જોકે 5 વર્ષના ઓપરેશન મેઈન્ટેનન્સ સાથે મંગાવાયેલું આ ટેન્ડર અંદાજ કરતાં 25.51 ટકા ઉંચુ એટલે કે 174.22 કરોડનું આવ્યું છે. મનપા કમિશનરે શાસકોની મંજુરી માટે સ્થાયી સમિતિમાં સદર દરખાસ્ત મોકલી આપી છે.

એરપોર્ટથી ડુમસ સુધીનો રોડ પહોળો કરવાનો સર્વે શરૂ
મ્યુ. કમિશનર અગ્રવાલે જણાવ્યું હતું કે, ડુમસ સુધીની કનેક્ટિવિટી માટે રોડ પહોળો કરવાનો સર્વે શરૂ કરી દેવાયો છે. ડુમસના વિકાસ માટે આવશ્યક એવા માર્ગોનો વિકાસ કઈ રીતે કરી શકાશે તે અંગેની કામગીરી પણ ચાલુ થઈ ચૂકી છે. ખાસ કરીને ડુમસ સુધી પહોંચવા માટેના અન્ય રોડને વાઈડન કરવા, ટી.પી રોડ, ડી.પી રોડ અને સહેલાણીઓની સુગમતા માટે ડુમસના આંતરિક રસ્તાઓને એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ કરી શકાય તે માટેનો સરવેની કામગીરી એક મહિનામાં પૂર્ણ કરી દેવાશે. અને ઝડપથી રોડ કનેક્ટિવિટીની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

Most Popular

To Top