શાળા અને કોલેજોમાં દિવાળીનું ત્રણ અઠવાડિયાનું વેકેશન શરૂ થવાની તૈયારીમાં છે. યુવા પેઢીએ રખડીને આ મહત્વના દિવસો બરબાદ કરી દેવા જોઈએ નહીં. આજની ગળાકાપ સ્પર્ધામાં હવે ફક્ત ફર્સ્ટ ક્લાસ ડિગ્રીને આધારે નોકરી મળવાના ચાન્સીસ ઘટતા જાય છે. એનું એક કારણ એ પણ છે કે આજની યુવા પેઢી પાસે ડિગ્રીઓના ફરફરીયાં છે પરંતુ જોબ માટે જરૂરી સ્કિલ કે કૌશલ્યો નથી. 21 મી સદીમાં ઉદ્યોગોની બદલાતી જતી જરૂરિયાતો અનુસાર યુવાનોએ જરૂરી કૌશલ્ય મેળવવું જ પડશે. ભારતની કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ પૂરો કરવાની લ્હાયમાં વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ પર પૂરતું ધ્યાન અપાતું નથી. કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશન એ કૌશલ્ય વૃદ્ધિ માટેનો શ્રેષ્ઠ સમયગાળો છે. યુવા પેઢી વેકેશનમાં પોતાની જોબ માટે પણ વિચારે તે આજના સમયની માંગ છે. વેકેશનમાં ઇત્તર પુસ્તક વાંચન માટે પણ યુવાનોને અનુરોધ કરું છું. વાંચન દ્વારા પણ તમારા જીવનનું ઘડતર થાય છે. દિવાળી વેકેશનમાં ડિજિટલ ડીટોક્ષ માટે પણ વિચારી શકાય. પ્રવાસ એ શૈક્ષણિક પ્રક્રિયા છે તેથી પ્રવાસના આયોજન થકી દેશ અને દુનિયાને જાણવાની પણ તક મળે છે. જો તમારા દાદા દાદી હયાત હોય અને અલગ રહેતા હોય તો તેમની સાથે પણ સમય વિતાવવાનું વિચારી શકાય.
નવસારી – ડૉ.જે.એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.