Columns

આપણને સતત આશ્ચર્યચકિત કરતો ગ્રહ એટલે ‘મંગળ’

અમુક શબ્દ સાંભળીએ-વાંચીએ તો મન આપમેળે પ્રસન્ન થાય. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે: મંગળ…! મંગળ શબ્દના અનેક પર્યાયી અર્થ છે. મંગળ એટલે શુભ-પવિત્ર- કલ્યાણકારી- ક્ષેમકારક-ખુશાલીનો અવસર…. આ ઉપરાંત આપણા 7 દિવસના સપ્તાહનો એક વાર-દિવસ(જે સોમ અને બુધવારની વચ્ચે આવે) અને આપણા બ્રહ્માંડનો એક ગ્રહ પણ ખરો, જે જયોતિષીઓની નજરે ધરતીથી જોજનો માઈલના અંતરે અંતરિક્ષમાં હોવા છતાં માનવીની ભાગ્યકુંડળી-નસીબ પર સારી-નરસી અસર પાડી શકે! કામચલાઉ, આ ગ્રહ અને એની અસરને બાજુ પર રાખીએ તો મંગળ નામના અવકાશી પદાર્થ વિશે ઘણી ઘણી રસપ્રદ વાત જાણવા જેવી છે.

આમેય, ગ્રહ મંગળ વિશેના એક સમાચાર આજકાલ બહુ ચર્ચામાં છે. આ રાતા રંગના ગ્રહ વિશે વિશેષ જાણવા અને એનાં અનેક રહસ્ય ઉકેલવા માનવી પહેલેથી બહુ ઉત્સુક રહ્યો છે. અમેરિકાની અવકાશી સંશોધન કરતી એજન્સી ‘નાસા’ વર્ષોથી આ દિશામાં સતત પ્રયત્નશીલ રહી છે. આપણી સ્પેસ સંસ્થા ‘ઈસરો’એ પણ ૮ વર્ષ પહેલાં ‘મંગળયાન’નામે એક સ્પેસક્રાફટ રૂપિયા 450 કરોડના ખર્ચે તૈયાર કરીને મંગળ ગ્રહના સંશોધન માટે રવાના કર્યું હતું અને ભારત જ એક માત્ર દેશ છે જેને સર્વપ્રથમ પ્રયાસમાં મંગળની ભ્રમણકક્ષામાં ગોઠવાઈ જવાનો યશ મળ્યો. આમ તો એ યાન માત્ર છએક મહિના જ આ કામગીરી બજાવી શકે એ રીતે આપણે એને તૈયાર કર્યું હતું પણ બધાના આશ્ચર્ય વચ્ચે ‘મંગળયાને’ અંતરિક્ષમાં 8 વર્ષ સુધી ટકી રહીને ‘પૈસા વસૂલ’ અવિરત કામગીરી બજાવી રાતા ગ્રહ વિશે અવનવી માહિતી એકઠી કરી ‘ઈસરો’ને પહોંચતી કરી ! હવે સમાચાર એ આવ્યા છે કે આઠેક વર્ષની નિષ્ઠાપૂર્ણ સેવા પછી ‘મંગળયાન’નો આપણા ‘ઈશરો’ સાથેનો સંપર્ક તૂટી ગયો છે એટલે કે એ સ્વૈચ્છિક ‘નિવૃત્ત’ થઈ ગયું છે!

આવા આ રાતા રંગના પ્લેનેટનો જરા કલોઝ-અપ ઝીલીએ તો માર્સ એટલે કે સૂર્યથી ચોથે સ્થાને આવેલા આ મંગળ ગ્રહની સતહ-ધરતી-માટી એકદમ લાલચોળ છે ( ‘રેડ ઓક્સાઈડ’ ધાતુને લીધે) અને એટલે જ એને ‘લાલ કે રાતા રંગના ગ્રહ’ તરીકે ઓળખ મળી છે. ગ્રીકની પુરાણકથાઓ અનુસાર માર્સને ‘યુદ્ધના દેવતા’ કહેવામાં આવે છે. મંગળ પર અવારનવાર કલાકો સુધી ઘટ્ટ ધૂળના વંટોળ પણ ફૂંકાતા રહે છે. પૃથ્વી અને મંગળ વચ્ચે સરેરાશ અંતર 111.39 મિલિયન Km. છે.(1 મિલિયન=10 લાખ) આપણી ધરતી પરથી નરી આંખે જોઈ શકાય છે એવા મંગળ ગ્રહનો દિવસ આપણા કરતાં 37 મિનિટ લાંબો હોય છે. એને સૂર્યની આસપાસ એક પ્રદિક્ષણા લેતા 687 દિવસ લાગે છે એટલે આપણે ત્યાં 365 દિવસે 1 વર્ષ પૂરું થાય છે તો મંગળનું ‘હેપી ન્યૂ યર’ 687 દિવસે આવે! સૂર્યની ભ્રમણકક્ષામાં લંબગોળ પ્રદિક્ષણા લેતા આ ગ્રહનું સરેરાશ તાપમાન 55 સેલ્શિયસ ડિગ્રી રહે છે અને આપણી પૃથ્વીની જેમ જ ત્યાં પણ ઋતુ પલટાતા શિયાળામાં એનું તાપમાન 133 ડિગ્રી સુધી ઘટી પણ જાય છે.

પૃથ્વીની સરખામણીએ મંગળ ઘણો નાનો છે પરંતુ ત્યાં આપણી જેમ સમુદ્ર ન હોવાથી એનો જમીન વિસ્તાર પૃથ્વીથી વધુ છે. કુદરતી અકસ્માતોથી સર્જાયેલા ત્યાંના પર્વતો તો આપણા હિમાલયથી પણ ખાસ્સા ઊંચા છે. અંતરિક્ષના અન્ય કોઈ ગ્રહો કરતાં આ રાતા ગ્રહ વિશે આપણે પૃથ્વીવાસીએ સૌથી વધુ સંશોધન કર્યાં છે. ગયા વર્ષ સુધીમાં 21થી વધુ ‘માર્સ મિશન ’ના પ્રયાસ થયા છે, જેમાંથી ‘સોફટ લેન્ડિંગ’તરીકે ઓળખાતાં 10 જેટલા માનવરહિત યાને મંગલની ધરતી પર ઊતરાણ કર્યું .

આમાં 1976માં અમેરિકાનું ‘વાઈકિંગ-1’ યાન સર્વ પ્રથમ મંગળની ધરતી પર લેન્ડ થયું પછી ત્યાંથી જ મંગળની 1400 વધુ તસવીરો પૃથ્વી પર પાઠવી. આ ઐતિહાસિક ઘટના પછી ‘વાઈકિંગ-2’એ પણ મંગળની સફળ મુલાકાત લીધી હતી. પછી તો બીજા 8 જેટલા યાન મંગળને ‘મળી’ આવ્યા જેમાં ગયે વર્ષે તો લાલ ચીનનું યાન ‘ઝુરોંગ’( ચીનના અગ્નિદેવતા) પણ મંગળની રાતી- લાલ ધરતીને ‘હૅલ્લો’ કહી આવ્યું. …આમ જોવા જાવ તો માનવવસતિ વિહોણા મંગળ પર સૌથી વધુ વસતિ છે ત્યાં લેન્ડ થયેલાં 4-5 રોબો યાનની છે!

આ રાતો ગ્રહ નાના નાના ‘આંચકા’ આપવા માટે જાણીતો છે. છેક 2012થી મંગળ પર લેન્ડ થયેલા ‘નાસા’ના રોવર ‘ક્યૂરોસિટી’ દ્વારા ત્યાંથી અનેક તસવીરો મળી છે. એમાંય થોડા મહિના અગાઉ મળેલી તસવીરોમાં મંગળની ધરતી પર ખડકો વચ્ચે બરાબર કંડારેલો એક ‘દરવાજો’ નજરે ચઢે છે! આ દરવાજો કોઈ અકસ્માતે સર્જ્યો કે ત્યાં વસતા ‘મંગળ’વાસીઓએ બનાવ્યો એની જોરદાર ચર્ચા-વિચારણ આજે પણ અવિરત હજુ ચાલે છે…!

આપણે કોઈ પણ ગ્રહના ખબર-અંતર લેવા એની આસપાસની ભ્રમણકક્ષામાં ઉપગ્રહ કે પછી પારકી-અજાણી ધરતી પર રોવર (મિની મોટરકાર જેવું રોબો યંત્ર) ઉતારીએ છીએ, જે ત્યાંના આસપાસના વિસ્તારમાં ફરી ભૌગોલિક પરીક્ષણ કરીને સૌ પ્રથમ જળની શોધ કરે છે. ત્યાં પાણીસ્ત્રોત મળે તો એ ધરતી પર જીવસૃષ્ટિની સંભાવના વધી જાય છે અને ‘જો જળ છે તો જીવન છે’ એ સિદ્ધાંત અનુસાર ત્યાં ભવિષ્યમાં માનવવસાહત વસી શકે તેવી શક્યતા પણ વધી જાય.

મંગળને લઈને હમણાં જે સૌથી વધુ તાજું અને અતિ મહત્ત્વનું ગણાતું એક સંશોધનનું તારણ એ કહે છે કે ત્યાં જળ પણ છે…! આમ તો એ ગ્રહ પર પાણી હોવાની અને ન હોવાની પણ અનેક થિયરી ખગોળશાસ્ત્રીઓ વચ્ચે સતત ચર્ચાતી રહે છે પરંતુ આ વખતે થોડા વધુ નકકર પ્રમાણ મળ્યા છે. મંગળના વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ 96 % છે જ્યારે ઑક્સિજન માંડ ૦.2% છે માટે ત્યાં ઑક્સિજન સિલિન્ડર વગર થોડી પળ માટે પણ જીવી ન શકાય. આ માહોલમાં મંગળ પર પાણી હોવાની શક્યતા માનવી માટે ‘અચ્છે દિન’ના વાવડ ગણી શકાય!

આમ જુઓ તો, ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ આપણા સૌરમંડળ ઉપરાંત અનંત બ્રહ્માંડમાં અન્ય 5000થી વધુ ગ્રહ છે. જો કે એમાંથી બહુ ઓછા- માંડ 65 ગ્રહ વિશે જ આપણે જાણીએ છીએ અને વાસ્તવિકતા એ પણ છે કે આપણી ધરતી સિવાય અન્ય ગ્રહમાં જીવસૃષ્ટિ પાંગરી નથી (અથવા તો પાંગરી છે તો આપણે એનાથી સાવ અજાણ છીએ!) ખગોળવિજ્ઞાનીઓ કહે છે તેમ જ્યાં એ પાંગરી શકે એવી શક્યતા ધરાવતા બે જ ગ્રહ છે અને એ છે મંગળ તથા શુક્ર. જો કે આ બન્નેની પ્રકૃતિ પૃથ્વીથી ભિન્ન છે. એ બન્નેના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ અનેક ગણું છે.

કુદરતી વાતાવરણને લીધે પૃથ્વી પર પાણી ટકી રહે છે પણ મંગળ પર જે પણ પાણી છે તે બરફ રૂપે છે અને થોડું ઘણું વાદળ સ્વરૂપે છે. બીજા શબ્દોમાં કહો તો આપણા નવા ઘર મંગળનો પ્રાકૃતિક માહોલ કૃત્રિમ રીતે આપણી ધરતી જેવો બનાવવો પડે. આના માટે ‘ટેરાફોર્મિંગ’ કરવું પડે. કોઈ પણ ગ્રહના વાતાવરણને સમગ્ર રીતે પલટી નાખવાની પ્રક્રિયા એટલે ‘ટેરાફોર્મિંગ’. આમ તો એ ક્રિયા અતિશય કડાકૂટભરી છે પણ આપણી આજની વૈજ્ઞાનિક સિદ્ધિ- પ્રગતિ જોતાં એ સાવ અશક્ય તો નથી જ…!

જો કે, વચ્ચે એવા પણ સમાચાર ઝળક્યા હતા કે આપણા સૂર્યમંડળના શનિના એક ઉપગ્રહ ‘ટાઈટન’ પર પણ પૃથ્વી જેવું અદલોદલ વાતાવરણ-માહોલ છે. ત્યાં જીવસૃષ્ટિ વિકસી શકે એવી શકયતા છે. આવા દાવા વિશે સંશોધન ચાલી રહ્યું છે. જોઈએ,આગળ શું સમાચાર આવે છે. આ બધા વચ્ચે હમણાં એલન મસ્ક પણ ઝળક્યા છે. આજે વિશ્વના સૌથી શ્રીમંત એવા એલન મસ્ક એમની રીતિ-નીતિ અને પ્રકૃતિને લીધે વાર-તહેવારે અવનવા વાદ -વિવાદ-વિખવાદના કેન્દ્રમાં જ રહે છે અથવા તો સદાય ચર્ચામાં રહીને સમાચારોની હેડલાઈન્સમાં કઈ રીતે છવાઈ જ્વું એની કળામાં એ પારંગત છે.

પોતાની ‘સ્પેસએક્સ’ કંપની દ્વારા અવકાશી સંશોધન કરવા-પોતાના ઉપગ્રહો તરતા મૂકવાથી માંડીને ખુદ પોતાના અવકાશયાનમાં અંતરિક્ષ યાત્રા કરનારા એલન મસ્કને જેટલો ઈલેક્ટ્રિક વ્હીકલમાં રસ છે એટલી જ દિલચશ્પી એમને સ્પેસ ટેક્નોલોજીમાં પણ છે. પાડોશી મંગલ ગ્રહમાં જીવન પાંગરી શકે એવી શક્યતાઓ વચ્ચે એલન મસ્કે તો એ દિશામાં બીજા કરતાં વિશેષ ઝડપે આગળ વધવાનું જાહેર સુદ્ધાં કરી દીધું છે. એલને તો અનેરા સંશોધન -શોધખોળ દ્વારા મંગળની કલાઈમેટ ચેન્જ કરવા- વાતાવરણ પલટાવવાના પ્રયોગો કરવા પોતાની ટીમને 5 વર્ષની ડેડલાઈન આપીને તાકીદ પણ કરી દીધી છે કે ‘આ કામ તો થવું જ જોઈએ’. એલન મસ્કનો જુસ્સો-ઉમંગ ને નિષ્ઠા જાણનારા એના પ્રતિસ્પર્ધીઓ પણ સ્વીકારે છે કે ‘મસ્ક હૈ તો મુમકિન હૈ…!’

Most Popular

To Top