વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તે ઝુંબેશને નામંજૂર કરી હતી જેમાં લોકોને પાંચ મિનિટ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની હાકલ કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે આનાથી તેઓ વિવાદમાં આવી જશે.
હિન્દીમાં શ્રેણીબદ્ધ ટ્વીટમાં તેમણે કહ્યું હતું ‘કદાચ કોઈએ સારી ભાવના સાથે આ હાકલ કરી હશે ‘પણ હું કહીશ કે જો તમે સાચે જ મોદીનું સન્માન કરવા માગો છો, તો એક ગરીબ પરિવારની જવાબદારી ઉઠાવો, ઓછામાં ઓછા કોરોના વાયરસ કટોકટી ચાલી રહી છે ત્યાં સુધી.’
‘મારા માટે આનાથી મોટું કોઈ સન્માન નહીં હશે’.
મોદીએ કહ્યું હતું કે તેમને જાણવા મળ્યું હતું કે અમુક લોકો તેમનું સન્માન કરવા આ ઝુંબેશ ચલાવી રહ્યા છે અને તેમને 5 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન આપવા પર વિચારી કરી રહ્યા છે.
‘પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આ એક અટકચાળું છે જેનાથી મોદીને વિવાદમાં ફસાવી શકાય’, એમ તેમણે કહ્યું હતું.
સોશિયલ મીડિયા પર મેસેજ ચાલી રહ્યો છે જેમાં લોકોને રવિવારે સાંજે 5.00 વાગે વડા પ્રધાન મોદીને સન્માન આપવા માટે 5 મિનિટ સુધી ઊભા રહેવા કહેવાયું છે. સંદેશમાં મોદી દેશ માટે જે કરી રહ્યા છે તે માટે તેમને સન્માનિત કરવાની હાકલ કરાઈ છે. આ મસેજના જવાબમાં મોદીએ ટ્વીટ કર્યું હતું.