ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામ બાદ અનેક શાળાઓમાં અવનવી લોભાવનારી સ્કીમ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેનાં વર્ગો ભરવા માટે અનેક પ્રકારના પ્રયાસો ચાલી રહ્યાં છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે ક્યાંક ૧૦૦ ટકા શિષ્યવૃત્તિ તો A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ હાલ સુરતની મોટા ભાગની ખાનગી શાળાઓમાં જોવા મળી રહી છે. બીજી તરફ સરકારી શાળાઓમાં પણ મેરિટ આધારે પ્રવેશ ફાળવણી કરવામાં આવી રહી છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હોઈ શકે? શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ બાળકોને પ્રોત્સાહન દ્વારા ઉચ્ચ અભ્યાસમાં સહાય? તો એવાં બાળકોનું શું જેમનાં ૭૦% ની આજુબાજુ પરિણામ આવ્યા છે. શું ૭૦ ટકા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનાં ઉચ્ચ અભ્યાસ માટેનાં કોઈ સપના નથી હોતા? ગુજરાત બોર્ડમાં સૌથી સારા પરિણામ માટેનો એક માત્ર જિલ્લો સુરતનાં ઘણા વિદ્યાર્થીઓ કે જે ૭૦-૮૦% મેળવી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસના સપના જુએ છે. ખરેખર જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે. એવાં વિસ્તાર કે જ્યાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેની શાળાઓ મર્યાદિત કે નહીવત છે. બીજી તરફ માધ્યમિક વિભાગમાં જેટલી સંખ્યા / વર્ગો હોય તેનાં ૮૦% જેટલા વર્ગો પણ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નથી.
તો આવાં બાળકો આખરે કોના આશરે? RTE યોજના દ્વારા ધો. ૮ સુધી મફત શિક્ષણ આપતી સરકાર પાસે ધો. ૮ ના તમામ બાળકોને સાચવી શકે એટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓ છે? વાસ્તવિકતા ત્યારે માલુમ પડશે જ્યારે RTE હેઠળ ધોરણ ૮ ઉત્તીર્ણ કરનાર કેટલાં વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરે છે અને કેટલાં શિક્ષણ છોડી ચૂક્યા છે? કારણ ઘણાં હોય શકે પણ એમાંનું એક કારણ ટકાવારી/ગ્રેડ પણ ગણી શકાય જેનાં લીધે સરકારી શાળામાં પ્રવેશ મળ્યા નહિ અને ખાનગી શાળામાં શિષ્યવૃત્તિ મળી નહીં. જો ભણતરનો અધિકાર સૌને હોય તો ગુણ આધારે ચાલતી આ પ્રણાલી બંધ કરો. શિક્ષણ એ સૌનો અધિકાર છે.
વેસ્મા – શાહિદ કુરેશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.